એમડી ડ્રગ કાંડઃ ઈમરાન અજમેરીનો ખાસ પેડલર જમાલપુરમાંથી ઝડપાયો
૨ કિલોમાંથી ૧ કિલો ભેજવાળો ડ્રગ જથ્થો ઈમરાને શબ્બીરને સાચવવા આપ્યો હતોઃ આગામી દિવસોમાં વધુ કેટલાંકની ધરપકડની સંભાવના
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરને “ઉડતાં અમદાવાદ” થતું બચાવવા મેદાને પડેલી શહેર ક્રાઈમ બ્રાંચે મુંબઈમાં સપ્લાયરને ઝડપ્યા બાદ વધુ એક સફળતા હાથ લાગી છે. ક્રાઈમ બ્રાંચે જમાલપુરનાં રહેવાસી અને મુખ્ય પેડલરને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે બરોડા-એક્ષપ્રેસ હાઈવે પરથી એક એએસઆઈ સહિત ત્રણ શખ્સોને ઝડપી ક્રાઈમ બ્રાંચે રૂપિયા એક કરોડનું એમડી ડ્રગ ઝડપી લીધું હતું. આ ઘટનામાં થોડાં દિવસ અગાઉ જ પોલીસે મુંબઈમાં મુખ્ય સપ્લાયર અફાક બાવાની પણ અટક કરી છે. અને વધુ કેટલાંય ઈસમોની તપાસ શરૂ કરી છે. શહેરમાં ચાલતાં ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતાં ક્રાઈમ બ્રાંચે ઈમરાન અજમેરીની સાથે સંડોવાયેલા અને જમાલપુરમાં રહેતાં શબ્બીર બશીર મોહમંદ શેખની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાંચની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે જે અનુસાર ઈમરાન મુંબઈથી ૨ કિલો એમડી ડ્રગ લાવ્યો હતો. જેમાંથી ભેજવાળો ૧ કિલોનો જથ્થો વેચાણ ન થતાં તે શબ્બીરને રાખવા આપ્યો હતો. શબ્બીરનાં ઘર તથા અન્ય સ્થળોએ પણ ક્રાઈમ બ્રાંચે રેઈડ કરી હતી. ઊપરાંત આ શબ્બીર શેખ અન્ય કોઈ સપ્લાયર સાથે સંકળાયેલો છે કે કેમ ગ્રાહકો સુધી કઈ રીતે ડ્રગ પહોંચાડતો હતો એ દિશામાં તપાસ હાથ ધરી છે.
શહેજાદ તેજાબવાલા તથા ઈમરાન અજમેરી મુંબઈથી ડ્રગ લાવીને પેડલરો મારફતે ૨૫થી ૨૫નું છૂટક વેચાણ કરતાં હતા. જ્યારે તેનાથી આગળનાં શખ્સો ૧ ગ્રામની પ્લાસ્ટીકની ઝીપર બેગનાં પેકેટ બનાવી ૧ ગ્રામનાં ૨૦૦૦થી ૨૫૦૦ રૂપિયા સુધીમાં વેચાણ કરતાં હતાં. આગામી દિવસોમાં અમદાવાદ તથા અન્ય સ્થળોએથી વધુ કેટલાંક ઈસમોની ધરપકડ થાય એવી તીવ્ર સંભાવના છે.