Western Times News

Gujarati News

છ માસ બાદ પતિએ પત્નિને કહ્યું, તું જાડી છે, પસંદ નથી

અમદાવાદ: શહેરના મહિલા પોલીસસ્ટેશનમાં એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે, તેનો પતિ લગ્નના છ જ માસમાં તે જાડી છે અને ગમતી નથી તેમ કહી ત્રાસ આપવા લાગ્યો હતો. સાસુ સસરા અને પતિ પિયરમાંથી ત્રણ લાખ લાવવા પણ દબાણ કરતા હતા. બધું સારું થાય તે માટે અનેક માસ પિયરમાં રોકાયા બાદ યુવતી સાસરે આવી તો પતિએ મરી જવાની ધમકી આપી હતી. એક દિવસ યુવતી રિક્ષામાં પરત આવી તો રિક્ષાવાળો ધણી થાય છે તેમ કહી પુત્રવધુનું સસરાએ અપમાન પણ કર્યું હતું.

સમગ્ર બાબતે ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદના નવા વાડજમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૧૭માં લગ્ન થયા હતા. લગ્નના છ માસ બાદ આ યુવતીને તેના પતિએ ત્રાસ આપવાનું શરૂ કરી “તું જાડી છે મને ગમતી નથી મારા મા બાપે જબરદસ્તીથી લગ્ન કરાવ્યા છે” કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં પતિએ નવો ફ્લેટ લેવો છે તેમ કહી પત્નીને પિયરમાંથી ત્રણ લાખ લાવવા દબાણ કર્યું હતું.

જોકે યુવતીએ પિયરજનોની પરિસ્થિતિ સારી ન હોવાથી ના પાડી હતી. જેથી એક દિવસ પિયરમાં કોઈની તબિયત પૂછવા યુવતી ગઈ ત્યારે ઓફિસથી પરત ફરતી વખતે પતિને લઈ જવા કહ્યું હતું, જોકે આ બધા કારણોસર તે પત્નીને લઈ ગયો ન હતો અને યુવતીને ભાડે રીક્ષા કરીને આવવું પડ્યું હતું. રિક્ષામાં આવતા જ યુવતીના સસરાએ જાહેરમાં રિક્ષાવાળો તારો ધણી થાય છે? તેમ કહી યુવતીનું અપમાન કર્યું હતું.

બાદમાં યુવતીના સસરાએ યુવતીના મોટાભાઈને તે હજુ આવી નથી તેવું તેની હાજરીમાં જ ખોટું બોલી તેના ચારિત્ર્ય પર શંકાઓ કરાવી હતી. આ બધી બાબતો વચ્ચે એક દિવસ યુવતીને તેની સાસુએ પણ કહ્યું કે “મારા દીકરાને તું ગમતી નથી, ત્રણ લાખ લઈ આવે તો જ રાખીશું” તેમ કહી પુત્રવધૂને બીભત્સ શબ્દો બોલ્યા હતા. બાદમાં યુવતીના પતિએ પણ કહ્યું કે, તું અહીં આવીશ તો હું મરી જઈશ. આશરે છએક માસ પિયરમાં રોકાયા બાદ યુવતીથી સાસરિયાઓ નો ત્રાસ સહન ન થતા તેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.