બુલેટ ટ્રેનના બે કન્ટેનર વચ્ચે ફસાયો ૧૩ ફૂટ લાંબો મગર
વડોદરા, શહેરમાં ફરી એક વખત મગર જાેવા મળ્યો છે. વડોદરાના કરજણ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બે કન્ટેનર વચ્ચે મહાકાય મગર ફસાયો હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
મગર આવી ચડતાં પ્રોજેક્ટ પર કામ કરતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ મહાકાય મગરની લંબાઇ ૧૩ ફૂટ હોવાની જાણવા મળી રહ્યું છે.
વડોદરા શહેરમાં મગર આવી ચઢે તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ વખતે કરજણ વિસ્તારમાં મહાકાય મગર જાેવા મળ્યો હતો. કરજણમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર બે કન્ટેનર વચ્ચે મહાકાય મગર ફસાયો હતો.
સવારે આ પ્રોજેક્ટ પર કામ કરતાં કામદારો સાઇટ પર આવ્યા હતા, ત્યારે તેમની નજર બે કન્ટેનર વચ્ચે ફસાયેલા મગર પર પડી હતી. આ જાેતાં તેમના પણ હોંશ ઉડી ગયા હતા. કેમ કે, આ મગર લગભગ ૧૩ ફૂટ લાંબો હતો. ઘટનાને પગલે પ્રોજેક્ટ સ્થળ પર કામદારો વચ્ચે ભારે ચકચાર સાથે ભયનો માહોલ છવાયો હતો. મહાકાય મગરને જાેતાં કામદારોના જીવ તાળવે ચોંટ્યાં હતાં.
જે બાદ સત્તાધીશો અને જીવદયા પ્રેમીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. જ્યારે મહામહેનતે મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વડોદરામાં નદી-નાળાની બહાર મગર જાેવા મળે, તેવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી જ હોય છે. ખાસ કરીને વરસાદના સમયે રહેણાંક વિસ્તારોમાં પણ મગર આવી ચઢતાં હોય છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે.SS1MS