Western Times News

Gujarati News

એક વર્ષની બહેનનું મોઢું દબાવી ૧૩ વર્ષના ભાઈએ હત્યા કરી

સુરત, સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મસિયાઈ ભાઈએ પોતાની એક વર્ષની બહેનની હત્યા કરી નાંખી છે. એક વર્ષની બાળકી સતત રડી રહી હતી, રડવાના અવાજથી કંટાળી ૧૩ વર્ષના કિશોરે તેના મોઢે ઓશીકું દબાવી તેની હત્યા કરી દીધી હતી.

નાના બાળકો આત્મહત્યા અને હત્યા કરવા સુધી પહોંચી જતા હોવાની સતત સામે આવી રહેલી ઘટનાઓને બાળ માનસના અભ્યાસુઓ સમાજ માટે ગંભીર સંકેત ગણાવી રહ્યાં છેસુરત શહેરના નાનપુરા વિસ્તારમાં બારાહજારી મહોલ્લામાં ૧૩ વર્ષનો કિશોર એક વર્ષ પહેલાં મુંબઈથી માસીના ઘરે રહેવા આવ્યો હતો. માસીની એક વર્ષની દીકરી હતી. ઘરમાં આ મસિયાઈ બહેન કોઈક કારણોસર સતત રડતી હતી.

બહેનના રડવાના અવાજથી કંટાળી કિશોરે ઓશિકાથી બહેનનું મોઢું દબાવી દીધું હતું. ફૂલ જેવી બાળકીનું શ્વાસ રૂંધાતા નિપજ્યું હતું.એકાએક બાળકીનું મોત થતાં તેના મોતનું કારણ જાણવા મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોર્સ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત ગૂંગળામણના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. એટલે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી તેમાં સામે આવ્યું હતું કે, બાળકીની હત્યા થઈ છે. ઘરે ફક્ત ૧૩ વર્ષનો કિશોર અને આ બાળકી જ હાજર હતાં.

આ દરમિયાન બાળકી ખૂબ જ રડી રહી હતી, જેનાથી કંટાળીને કિશોરે બાળકીનું મોઢું ઓશીકાંથી દબાવી દીધું અને શ્વાસ રૂંધાતા તેનું મોત નિપજ્યું હતું. આવો ચોંકાવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી.

ઘટના સંદર્ભે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને કસ્ટડીમાં લેતા પરિવારે કલ્પાંત કરી ગુનો નહીં દાખલ કરવા આજીજી કરી હતી પરંતુ પોલીસે ગંભીર ગુના અંગે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કિશોરને જુવેનાઈલ હોમમાં મોકલ્યો હતો.બાળ માનસ ઉપર અભ્યાસ કરતાં સાયકોલોજીસ્ટ દર્શિત શાહ કહે છે કે, નાના બાળકો આત્મહત્યા કે હત્યા કરવા સુધી પહોંચી જાય છે, તેવી ઘટનાઓ છેલ્લા નજીકના ભૂતકાળમાં સતત સામે આવી રહી છે.

આ બાબત ખૂબ ગંભીર સંકેત આપી રહી છે. સમતા, સહનશીલતા જેવા ગુણ બાળકોમાં વિકસાવવામાં મોટી ઉણપ હોય તેવું જણાય છે. તેની પાછળ સમૂહમાં શારિરીક રમતો રમવાનું બંધ થવું, સોશ્યલ મિડીયા, ખૂબ ઝડપથી બદલાઈ રહેલી સામાજિક સ્થિતી જેવા ઘણા કારણો માની શકાય તેમ છે. આ મુદ્દે સામુહિક વિચારવિમર્શની શરૂઆત થવી ખૂબ જરૂરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.