Western Times News

Gujarati News

વડોદરામાં ૨૯ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત

વડોદરા, રાજ્યમાં હાર્ટ અટેકથી મોતના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. વડોદરામાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. ૨૯ વર્ષીય કરણ પવારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કરણ પવાર સ્કૂલ વાન ચલાવતો હતો. કારેલીબાગના અશોક વાટીકામાં રહેતા કરણને ગત શનિવારે છાતીમા દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જાેકે એસ.એસ.જી.હોસ્પિટલ પહોંચતા મોત થયુ હતું. અગાઉ પવારની હાથની નસો ખેંચાતા સારવાર કરાવી હતી. લો બ્લડ પ્રેશરના કારણે નસો ખેંચાવાની સમસ્યા થઇ હતી. અન્ય એક ઘટનામાં વડોદરાના યુવાનનું કુવૈતમાં હાર્ટ અટેકથી મોત થયું હતું. કુવૈતમાં ૪૦ વર્ષીય પ્રકાશ ચૌહાણ નામના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હતું. તેને કુવૈતમાં દરજી કામ સમયે હાર્ટ અટેક આવ્યો હતો.

યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. પાટણમાં પણ હાર્ટ અટેકના કારણે એકનું મોત થયું હતું. ચાણસ્માના રણાસણ ગામના મહિલા સરપંચના પતિનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. ૫૮ વર્ષીય કાનજીભાઇ પરમાર સિદ્ધપુર ખાતે તેમની દીકરીને ત્યાં ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. કાનજીભાઈનાં આકસ્મિક અવસાનથી રણાસણ ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં યુવાનોના મોત થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ દરમિયાન સુરતમાં વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સુરતના વરાછામાં રહેતા મહેશ ખાંભર નામના ૪૩ વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે.

કન્ટ્રક્શન લાઈનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા યુવકને અગાઉ પણ હાર્ટ અટેક આવ્યો હતો. અમરોલીમાં ૨૩ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવામાં માતમ છવાઈ ગયો હતો. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પાંડેસરામાં ૩૮ વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી.

રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો, જે બાદ સંજયને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરતના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.

રાજ્યમાં હાર્ટએટેકથી થઈ રહેલા મોતને લઈ રાજ્ય સરકાર આ મામલે એક્શનમાં આવી છે. સરકારે તાત્કાલિક ધોરણે નિષ્ણાંત ડોક્ટરો સાથે ચર્ચા કરીને હાર્ટ એટેક આવવાનું કારણ શોધવા એક કમિટીની રચના કરી છે. જેમાં યુએન મહેતા તથા ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.