૩૦ વર્ષીય મહિલા ક્લાર્ક સાથે હાઈકોર્ટ પરિસરમાં છેડતી

Files Photo
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં મહિલા સાથે છેડતી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતી ૩૦ વર્ષીય મહિલા ક્લાર્કે સોમવારે સોલા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, ડેપ્યુટી સેક્શનના ઓફિસરે તેની સાથે કોર્ટના પરિસરમાં જ છેડતી કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સોલા સ્થિત ગુજરાત હાઈકોર્ટની ઓફિસમાં મહિલા કામ કરે છે. સોમવારે બપોરે ડેપ્યુટી સેક્શનના અધિકારીએ મહિલાને ઓફિસના જ કંઈક કામ માટે બોલાવી હતી. એ વખતે કથિત રીતે અધિકારીએ મહિલા સાથે કોર્ટના પરિસરમાં જ છેડતી કરી હતી.
પોલીસમાં રહેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મહિલાએ જણાવ્યું કે, આ અધિકારી પહેલા પણ તેની છેડતી કરી ચૂક્યો છે. જ્યારે આ અંગે તેણે તેના સીનિયરોને ફરિયાદ કરી હતી ત્યારે અધિકારીએ માફી માગી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે, આ અધિકારી તેને જાેઈને વલ્ગર ટિપ્પણીઓ કરતો હતો. એટલું જ નહીં તેને સતત પરેશાન પણ કરતો હતો.
મહિલાની ફરિયાદ પર એક્શન લેતાં સોલા પોલીસે ડેપ્યુટી સેક્શન ઓફિસર સામે છેડતીની ફરિયાદ દાખલ કરી છે. આ મામલે સોલા પોલીસે તપાસ આરંભી દેવાઈ છે. પોલીસે પુરાવા એકત્ર કરવા માટે કોર્ટ કેમ્પસમાંથી સીસીટીવી ફૂટેજ એકઠા કરવાની પણ કવાયત કરી છે.
સોલા પોલીસ સ્ટેશનના અન્ય એક પોલીસકર્મીએ જણાવ્યું કે, તેઓ કોર્ટના અન્ય સ્ટાફના સભ્યોના નિવેદનો પણ નોંધશે અને હાઈકોર્ટ સત્તાધીશોને વિગતાવાર ઈન્ક્વાયરી રિપોર્ટ સબમિટ કરશે. હાઈકોર્ટમાં રહેલા સૂત્રોએ મહિલા સાથે છેડતી થઈ હોવાની ઘટનાની પુષ્ટિ કરી છે. પરંતુ તેમણે જણાવ્યું કે, સોલા પોલીસ તરફથી હજી સુધી તેમને કોઈ સત્તાવાર રિપોર્ટ આપવામાં નથી આવ્યો.SS1MS