અમેરિકાના જ્યોર્જિયામા કારની ટક્કર વાગતા ૩૬ વર્ષના ગુજરાતી યુવકનું મોત
જ્યોર્જિયા, અમેરિકામાં કારની ટક્કરે ૩૬ વર્ષના એક ગુજરાતી યુવકનું કરૂણ મોત થયું છે, ૦૯ માર્ચના રોજ શનિવારે બનેલી આ ઘટનામાં પોલીસ દ્વારા દસ દિવસ બાદ મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી છે.
જ્યોર્જિયાના ડગ્લાસ વિલેમાં બનેલી આ ઘટનામાં મોડી સાંજે ફોક્સવેગર પસાટ કારની ટક્કરે ક્રિશ્ના પટેલ નામના એક ગુજરાતી યુવકનું મોત થયું હતું. ઓરેગન સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, ક્રિશ્ના પટેલને કારની ટક્કર વાગતા ઘટનાસ્થળ પર જ તે મોતને ભેટ્યો હતો.
આ કાર એલેક્સ પેટ્રોવ્સકી નામનો ૪૩ વર્ષનો એક શખસ ચલાવી રહ્યો હતો. આ અકસ્માત હાઈવે ૯૯ઈની ફાસ્ટ લેનમાં થયો હતો, જેની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી, પરંતુ ક્રિશ્ના પટેલને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
આ અકસ્માત કઈ રીતે થયો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે, અને અકસ્માત કરનારા કારચાલકની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. અકસ્માત થયો ત્યારે મૃતક ક્રિશ્ના પટેલ રસ્તો ઓળંગી રહ્યો હતો કે કેમ તેની કોઈ સ્પષ્ટતા પોલીસ દ્વારા કરવામાં નથી આવી, એટલું જ નહીં અકસ્માત કરનારો કારચાલક ત્યારે નશામાં હતો કે કેમ તેની પણ હાલ તપાસ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત ઓક ગ્રોવની મેપલ સ્ટ્રીટમાં થયો હતો. અમેરિકાના ટેક્સાસમાં જુલાઈ ૨૦૨૩માં થયેલા આવા જ એક ભયાનક અકસ્માતમાં મૂળ પાટણના દર્શિલ ઠક્કર નામના યુવકનું કરૂણ મોત થયું હતું. દર્શિલ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો, પરંતુ અડધી રાતે એક કારચાલકે તેને અડફેટે લેતા દર્શિલ રસ્તા પર ઢસડાઈને ઘાયલ થઈ ગયો હતો.
જોકે, ત્યારબાદ રસ્તા પર પડેલા દર્શિલ પર એક પછી એક અનેક ગાડીઓ ચઢી ગઈ હતી અને ગણતરીની સેકન્ડોમાં જ તેનું કમકમાટી ઉપજાવે તેવી હાલતમાં મોત થયું હતું. દર્શિલ અકસ્માતનો ભોગ બન્યો ત્યારે કોઈ વાહનચાલકે તેને મદદ કરવાની પણ તસ્દી નહોતી લીધી અને ઘણા સમય બાદ એક મહિલાએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ ૨૪ વર્ષનો દર્શિલ મોતને ભેટી ચૂક્યો હતો.
દર્શિલની બોડીની હાલત પણ એવી થઈ ગઈ હતી કે તેને ઈન્ડિયા પરત મોકલી શકાય તેવી સ્થિતિ ના રહી હોવાથી અમેરિકામાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દર્શિલને અડફેટે લેનારા કારચાલકની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી લીધી હતી.
આ અકસ્માત થયો ત્યારે દર્શિલ તેના માતાપિતા સાથે વિડીયો કોલ પર વાત કરી રહ્યો હતો અને તે રસ્તો ક્રોસ કરવા ગયો તે વખતે જ ટ્રાફિક સિગ્નલ ગ્રીન થઈ જતાં ફુલ સ્પીડમાં આવેલી એક ગાડીએ તેને અડફેટે લીધો હતો. દર્શિલની ફેમિલીને મદદ કરવા માટે તે વખતે ૪૮ હજાર ડોલરનું ક્રાઉડ ફન્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.SS1MS