મોરબી દુર્ઘટનામાં બચી ગયો ૩૬ વર્ષનો યુવક
મોરબી, ૩૦ ઓક્ટોબરે મોરબીમાં આવેલો વર્ષો જૂનો અને હાલમાં જ રિનોવેટ થયેલો ઝુલતો પુલ તુટવાની ગોઝારી ઘટનાને લોકો ક્યારેય નહીં ભૂલે. આ પુલ ૧૩૫ લોકો માટે કાળમુખો સાબિત થયો, જેમાં ૪૭ જેટલા બાળકો પણ સામેલ છે. પોતાના પરિવારજનોને ગુમાવનારા હૈયાફાટ રૂદન કરી રહ્યા છે, મોરબીના લોકો પણ આ ઘટનાથી આઘાતમાં છે.
રજાના દિવસે બાળકો સાથે ઝુલતો પુલ જાેવા ગયેલા પરિવારોએ સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય કે આ તેમના જીવનનો છેલ્લો દિવસ હશે. આ ઘટનામાં જે લોકો બચી ગયા તેમને પણ ગંભીર ઈજા પહોંચી છે અને હોસ્પિટલમાં છે. આમાંથી જ એક છે ૩૬ વર્ષનો અશ્વિન હડિયાળ.
પગમાં આંતરિક ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ રહેલા અશ્વિને જણાવ્યું હતું કે, આ પુલ વર્ષોથી તેના માટે હેંગઆઉટનું ફેવરિટ સ્થળ હતું. તે ઘણા સમયથી પુલ ફરીથી ખોલવાનો રાહ જાેઈ રહ્યો હતો. પરંતુ તે તૂટ્યા બાદ તેની અંદર એક પ્રકારનો ભય પેસી ગયો છે, જેને મેડિકલની ભાષામાં ગેફાયરોફોબિયા કહેવામાં આવે છે.
આ એક એવો ફોબિયા છે જેમાં વ્યક્તિને પુલ અને ટનલ પરથી પસાર થવામાં ડર લાગે છે. મને નથી લાગતું કે હવે હું કોઈ પણ પુલ પર જઈ શકીશ. સામાન્ય પર પણ નહીં, તેમ અશ્વિને જણાવ્યું હતું, જે મોરબીના પ્રખ્યાત ઘડિયાળ ઉત્પાદન ઉદ્યોગમાં કામ કરે છે.
રવિવારે અશ્વિન તેના મિત્રો સાથે પુલ પર ગયો હતો. ‘પુલ પર મેં આટલી વધારે ભીડ પહેલા ક્યારેય નહોતી જાેઈ. આ સિવાય પહેલીવાર મેં લોકોને પુલ પર વધારે વખત હલચલ કરતાં જાેયા હતા, તેમ મોરબી હોસ્પિટલમાં દાખલ અશ્વિને જણાવ્યું હતું. પુલ પર વધારે પડતી જ ભીડ હતી અને ચાલવા માટે પણ જગ્યા નહોતી.
કેટલાક લોકો પોતાની મજા માટે પુલને હલાવી રહ્યા હતા’, તેમ તેણે કહ્યું હતું. મૃત્યુને નિકટથી જાેવાથી અશ્વિનના મન પર ઉંડો ઘા પડી ગયો છે. ‘મેં લોકોને પાણીમાં તરતા રહેવાના અનેક પ્રયાસો બાદ ડૂબતા જાેયા હતા. આ ભયાનક દ્રશ્યને હું ક્યારેય નહીં ભૂલી શકું’, તેમ તેણે ઉમેર્યું હતું.
આ સિવાય બચી ગયેલા ૧૮ વર્ષીય નઈમ શેખના હાથમાં ફ્રેક્ચર થયું હતું. જ્વેલરી મેકિંગ શીખવા માટે તે મોરબી રહેવા આવ્યો હતો અને તેના પાંચ મિત્રો સાથે પુલ જાેવા ગયો હતો, જેમાંથી એકનું ઘટનામાં મોત થયું હતું. શેખ પશ્ચિમ બંગાળનો વતની છે અને તેના પિતા પણ રાજકોટમાં જ્વેલરી કારીગર તરીકે કામ કરે છે.SS1MS