૪૦ વર્ષીય શિક્ષકને ધો-૯ની વિદ્યાર્થિની સાથે થયો પ્રેમ
લખનૌ, કહેવાય છે કે, પ્રેમને ઉંમરનો તફાવત નથી નડતો. અલબત્ત ઉંમરમાં મોટો તફાવત હોય તેવા કિસ્સામાં ગંભીર પરિણામ આવતા હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે.
યુપીના સહારનપુરમાં ચોંકાવનારી ઘટના બની છે. ૧૭ દિવસથી ગુમ થયેલા શિક્ષક અને વિદ્યાર્થીની લાશ બિહારીગઢના જંગલોમાં ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી હતી. લાશની માહિતી મળતા જ બંનેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ મૃતદેહોને કસ્ટડીમાં લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હતું અને ૩ સપ્ટેમ્બરના રોજ બંને અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગયા હતા. આ દરમિયાન ૪ સપ્ટેમ્બરે પોલીસ પરિવારની ફરિયાદ પર કેસ નોંધીને બંનેને શોધી રહી હતી. આ ઘટના સહારનપુર જિલ્લાના નાગલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રસૂલપુર ગામની છે. જ્યાં રહેતા ૪૦ વર્ષીય શિક્ષક વિરેન્દ્રને ૧૭ વર્ષીય વિદ્યાર્થીની સાથે પ્રેમસંબંધ હતો.
પોલીસે જણાવ્યું કે, બંને છેલ્લા ૧૭ દિવસથી ઘરેથી ગુમ હતા. યુવતીના પરિવારે ગત ૪ સપ્ટેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ આપી હતી. ત્યારથી પોલીસ બંનેની શોધખોળ કરી રહી હતી, પરંતુ બંનેની કોઈ ભાળ મળી શકી નહોતી. મંગળવારે મોડી સાંજે મોહંડના જંગલમાં ગામના લોકોએ બંનેની લાશ ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી હતી.
ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને લાશને નીચે ઉતારી હતી. પરિવારજનો દ્વારા ઓળખ થયા બાદ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરા સ્કૂલમાં ધોરણ ૯ની વિદ્યાર્થિની હોવાનું અને તે જ સ્કૂલના શિક્ષક વિરેન્દ્ર સાથે પ્રેમ સંબંધમાં હોવાનું બહાર આવ્યું હતું.
આ વાતની જાણ પરિવારજનોને થતાં તેમણે વિરોધ કર્યો હતો, પરંતુ ઉંમરનો બહોળો તફાવત હોવા છતાં બંને માન્યા નહીં અને ૩ સપ્ટેમ્બરે અચાનક બંને ગુમ થઇ ગયા હતા. અહીં ઉલ્લેખનિય છે કે, આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
જંગલમાંથી શિક્ષક અને છાત્રાના મૃતદેહો મળી આવતા ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.SS1MS