રાજકોટમાં ૫ માસની બાળકી હીંચકામાંથી પટકાતા મોત
રાજકોટ, શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંચ મહિનાની માસુમ બાળકીનું હીંચકામાંથી પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માતે મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બાંધકામ સાઈટ પર ચુંદડીથી ઘોડિયું બાંધી તેમાં પાંચ મહિનાની બાળકીને સુવડાવવામાં આવી હતી. અકસ્માતે બાળકી તેમાંથી પડી જતા તેને માથા સહિતના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
દરમિયાન તેને સારવાર અર્થે રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી હટ્ઠતી. ત્યારે ખાનગી હોસ્પિટલ ખાતે મંગળવારના રોજ સાડા સાત વાગ્યાના અરસામાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર તાલુકા પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા બનાવ સંદર્ભે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પરિવારના જરૂરી નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, પિતા પોતાના પરિવારજનો સાથે રાજકોટ ખાતે આવીને મજૂરી કામ કરતા હતા. રથકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા ડાયમંડ પ્લાઝા કોમર્શિયલ બિલ્ડીંગના કામકાજ અર્થે તેઓ મજૂરી કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. બાળકીને બે ભાઈઓ પણ હોવાનું સામે આવ્યું છે.
ત્યારે હાલ તો પ્રદિપ સિંગાડ અને તેના પરિવારજનોએ પાંચ માસની માસુમ દીકરીને ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ પ્રકારના અનેક કિસ્સાઓ રાજકોટ શહેર તેમજ જિલ્લામાંથી સામે આવી ચૂક્યા છે.SS1MS