“હમ લડકી કા પાલન નહી કર શકતે હૈં તો બચ્ચી બેચ દેતે હૈ” કહી દિકરીને 7 હજારમાં વેચી
(એજન્સી)સુરત, સુરતનાં લિંબાયતમાં રહેતી ૨૮ વર્ષીય યુવતી મૂળ યુપીની વતની છે. તેને સંતાનમાં ૬ મહિનાની દીકરી છે. વર્ષ ૨૦૨૦માં તેણીના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ જ્ઞાતિના જ યુવક સાથે થયા હતા.
જોકે, લગ્નના થોડાં સમય બાદ પતિના લગ્નેત્તર સંબંધો બહાર આવતા તેણી ઝઘડો કરી પિયર રહેવા ચાલી ગઈ હતી. આ દરમિયાન વર્ષ ૨૦૨૧માં યુવતીનો પરિચય ફેસબુક મારફતે યુપી-પ્રયાગરાજના દિપક મનોજ ત્રિપાઠી સાથે થયો હતો. યુવતીએ દિપકને પતિની કરતૂતો અંગે વાત કરી હતી. દિપકે સહાનૂભૂતિ કેળવી તેણીનો વિશ્વાસ જીત્યો હતો.
યુવક અને યુવતી એક વખત ઘરમાં એકલા હતા ત્યારે દિપકે ઘરમાં જઈ લગ્ન કરવાનો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. દિપક લલચાવી-ફોસલાવી યુવતીને ગત તારીખ ૨૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સુરત લઈ આવ્યો હતો. તેઓ બંને ગોડાદરા વિસ્તારમાં ભાડેથી રહેવા લાગ્યા હતા અને મજૂરી કામ કરવા લાગ્યા હતા. દિપક લગ્નના નામે વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. યુવતી ગર્ભ રહી ગયો છતાં દિપક તેણીની કોઈ દરકાર લેતો ન હતો.
ગત તા.૧૧-૭-૨૩ના રોજ યુવતીએ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે દિપક ત્રિપાઠીએ તેને કહ્યું કે, આ દીકરી મને પસંદ નથી, ગમતી નથી. આમ, દિપક ઝઘડા કરતો હતો. દિપકે પાંડેસરાની કંપનીમાં નોકરી કરતા અને ભેસ્તાનમાં રહેતા મિત્ર જુનેદ શેખને દીકરી વેચવાનો કારસો રચ્યો હતો. તેણે યુવતીને ‘હમ લડકી કા પાલન નહી કર શકતે હૈં તો જુનેદ કો બચ્ચી બેચ દેતે હૈ, વૈસે ભી ઉનકા કોઇ બચ્ચા નહિ હૈ’ એમ કહેતા યુવતીએ વિરોધ કર્યો હતો.
વારંવાર માથાકૂટ બાદ દિપક પત્ની-દીકરીને છોડી મુંબઇ ચાલ્યો ગયો હતો. ઘર ચલાવવામાં મુશ્કેલી પડતા રૂમ માલિકના ફોનથી દિપક પરત ફર્યો હતો. ડિસેમ્બર માસમાં દિપકે ગોડાદરાનો રૂમ ખાલી કરી યુવતી અને દીકરીને સચિનમાં રહેતા મિત્રના ઘરે લઇ ગયો હતો. તેના બાદ દિપક કોઇ વકીલને ત્યાં લઇ જઇ છ મહિનાની દીકરી જુનેદને રૂપિયા ૭ હજારમાં વેચી દીધી હતી. નાણાં મળી ગયા બાદ દિપકે ‘વતનમાં પોલીસ આવી છે’ એવું બહાનું કાઢી પલાયન થઇ ગયો હતો.
અચાનક ગાયબ થયેલા દિપકને યુવતીએ કોલ કરતા તેને યુવતીને ઓળખવાનો ધરાર ઇન્કાર કરી એલફેલ બોલી કોલ કટ્ટ કરી દીધો હતો. ત્યારબાદ યુવતી જુનેદને કોલ કરી પોલીસ કેસ કરવાની વાત કરતા તે ગભરાઇને બાળકી પરત આપી ગયો હતો અને સમગ્ર મામલો ગોડાદરા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કાર, ચીટિંગની કલમો હેઠળ દિપક મનોજ ત્રિપાઠી સહિત બાળકી ખરીદનાર જુનેદ શેખ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.