મસ્કની સ્પેસએક્સે યુએસથી ઇસરોનો સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો
બેંગલુરુ, વિશ્વના ટોચના બિઝનેસમેન ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સે ભારતનો અત્યાધુનિક કમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-એન૨ સફળતાપૂર્વક લોન્ચ કર્યાે છે.
ઇસરોના કોમર્શિયલ એકમ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ)એ જણાવ્યું હતું કે, અમેરિકાના કેપ કેનાવેરલથી સેટેલાઇટ લોન્ચ કરાયો હતો.
કમ્યુનિકેશન સેટેલાઇટને પગલે ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ વધુ સારી બનશે. ઉપરાંત, ફ્લાઇટની અંદર કનેક્ટિવિટી સુધારવામાં પણ મદદ મળશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સેટેલાઇટ ૪,૭૦૦ કિગ્રા. હતો, જે ઇસરોની વર્તમાન લોન્ચ ક્ષમતા કરતાં ભારે હોવાથી વિદેશી લોન્ચ વ્હિકલની મદદનો વિકલ્પ પસંદ કરવાની ફરજ પડી હતી. ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન કે સિવને જણાવ્યું હતું કે, “સેટેલાઇટ ઇસરોના લોન્ચ વ્હિકલની ક્ષમતા કરતાં ભારે હોવાથી વિદેશી લોન્ચ વ્હિકલની મદદ લેવી પડી હતી.”ફાલ્કન-૯ રોકેટની મદદથી જીસેટ-એન૨ ને ઇચ્છિત ભ્રમણ કક્ષામાં મુકાયો હતો.
ઇસરોની માસ્ટર કંટ્રોલ ફેસિલિટી (એમસીએફ)એ સેટેલાઇટનું નિયંત્રણ મેળવી લીધું છે. પ્રારંભિક ડેટા દર્શાવે છે કે, સેટેલાઇટ યોગ્ય કામગીરી કરી રહ્યો છે.
એનએસઆઈએલના જણાવ્યા અનુસાર જીસેટ-એન૨ હાઇ થ્રુપુટ કમ્યુનિકેશન સેટેલાઇટ છે, જે બ્રોડબેન્ડ સેવાઓ અને ફ્લાઇટની અંદરની કનેક્ટિવિટીમાં સુધારો કરશે. ઉલ્લેખનીય છે કે, જીસેટ-એન૨૪ એનએસઆઈએલએ લોન્ચ કરેલો પહેલો માંગ આધારિત સેટેલાઇટ હતો. જેને ૨૩ જૂન, ૨૦૨૨ના રોજ ળેન્ચ ગયાનાથી લોન્ચ કરાયો હતો. જીસેટ-એન૨ની મિશન લાઇફ ૧૪ વર્ષ છે.
તે ૩૨ યુઝર બીમથી સજ્જ છે. જેમાં ઉત્તરપૂર્વ વિસ્તાર માટે આઠ નેરો સ્પોટ બીમ્સ તેમજ ભારતના બાકીના ભાગો માટે ૨૪ વાઇડ સ્પોટ બીમ્સનો સમાવેશ થાય છે.
એનએસઆઈએલના જણાવ્યા અનુસાર ૩૨ બીમને ભારતમાં સ્થિત હબ સ્ટેશનની મદદ મળશે. જીસેટ-એન૨નું સ્પેસક્રાફ્ટ સ્ટ્રક્ચર કાર્બન ફાઇબર રિઇન્ફોર્સ્ડ પોલીમર (સીએફઆપી) પર આધારિત છે.
ઉલ્લેખનીય છે કે, ઇસરો છેલ્લા કેટલાક વર્ષથી આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસસેન્ટરથી વિદેશી સેટેલાઇટ પણ લોન્ચ કરી રહ્યું છે.SS1MS