બેંકના કર્મચારીએ એકાઉન્ટ ખોલવા સંપર્કમાં આવેલી સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ
નેત્રંગની બેંક ઓફ બરોડાના કર્મચારીએ એકાઉન્ટ ખોલવા સંપર્કમાં આવેલી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતાં ફરિયાદ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નેત્રંગ પંથકમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટે નજીકના બેંક ઓફ બરોડા ખાતે સ્કોલરશીપ માટે એકાઉન્ટ ખોલાવવા ગઈ હતી.
તે દરમ્યાન નરાધમના સંપર્કમાં આવતા નરાધમે સગીરાનું અપહરણ કરી તેણી સાથે વારંવાર બળાત્કાર ગુજારતા સગીરાને ૭ માસનો ગર્ભ રહી જતા પોલીસે નરાધમ સામે બળાત્કાર,અપહરણ સહિત પોક્સો હેઠળ ગુનો દાખલ કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના નેત્રંગ પંથકમાં પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે મારી દીકરી નેત્રંગની નવી જામુની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને તેણીની શિક્ષણની શિષ્યવૃત્તિ માટે બેન્ક એકાઉન્ટ ખોલાવવું જરૂરી હતું
અને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે બેંક ઓફ બરોડામાં ગઈ હતી તે વેળા આરોપી અલ્પેશકુમાર અર્જુનભાઈ વસાવા રહેવાસી ચાસવડ ઝરણા નેત્રંગ નાઓ વર્ષ 2022 દરમ્યાન સતત સંપર્કમાં રહી તેણીની સાથે વારંવાર બળાત્કાર કર્યો હોવાના ફરિયાદીએ આક્ષેપ કરી બેંક એકાઉન્ટ ખોલાવવા સમયે અલ્પેશ વસાવા વિદ્યાર્થીનીના સંપર્કમાં આવ્યો હતો
અને ત્યાર બાદ બંને જણા ફોન ઉપર વાતચીત કરતા હતા અને ભોગ બનનારને પ્રથમ વખત કપડા આપવાની લાલચ આપી પંજાબ નગરી ગામની સીમા લઈ જઈ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યાર બાદ પણ વારંવાર ફરિયાદીના ઘરની અંદર પ્રવેશ કરી જબરજસ્તીથી સગીરા ઉપર બળાત્કાર કર્યો હતો
અને સગીરાને પેટમાં દુખાવો ઉપડતા મેડિકલ તપાસ અર્થે લઈ જતા તેના પેટમાં ૭ માસનો ગર્ભ હોવાનો ભાંડો ફૂટતા નરાધમ સગીરાને વારંવાર મારી નાંખવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર કરતો હોય તેવી કેફિયત પીડીતાએ રજૂ કરી હતી.જેના પગલે પીડીતાની માતાએ તાબડતોબ નજીકના પોલીસ મથકે દોડી ગઈ હતી.
પોલીસે પીડિતાની માતાની ફરિયાદ લઈ નરાધમ અલ્પેશ અર્જુન વસાવા સામે અપહરણ બળાત્કાર તથા જાનથી મારી નાંખવા સહિત પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે નરાધમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.