જીવંત નાટક થકી લોકોની વચ્ચે જવાનું એક સુંદર માધ્યમ : રંગભૂમિ

૨૭ માર્ચ – વિશ્વ રંગભૂમિ દિવસ -ગુજરાતની વિવિધ યોજનાઓ અને વિકાસયાત્રાને પરંપરાગત માધ્યમ થકી સમાજના દરેક વર્ગ સમક્ષ ઉજાગર કરતો માહિતી અને પ્રસારણ વિભાગ
વિશ્વ રંગભૂમિ દિવસ દર વર્ષે ૨૭ માર્ચે ઉજવવામાં આવે છે. વિશ્વ રંગભૂમિ દિવસ એટલે આખી દુનિયામાં રંગભૂમિ અને એની સાથે જોડાયેલા કલાકારો, લેખકો, સંગીતકારો, નાટકના બીજા અનેક વિભાગો સાથે જોડાયેલા કેટલાય કસબીઓને યાદ કરવાનો દિવસ. આ દિવસ રંગભૂમિને એક કલા સ્વરૂપ અને તેના સામાજિક મહત્વ તરીકે સન્માનિત કરે છે. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો ઉદ્દેશ નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો અને નાટ્યકર્મીઓને પ્રેરિત, પ્રોત્સાહિત કરવાનો છે.
વિશ્વ રંગભૂમિ દિવસ પર રાજ્ય સરકારના એક એવા વિભાગની વાત કરીએ જે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસયાત્રાને પરંપરાગત માધ્યમ જેવા કે શેરી નાટક, લોકડાયરા, ભવાઈ, પપેટ શો થકી છેવાડના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે અને અનેક શહેર અને ગામડાઓના કલાકારોને સાથે-સાથે રોજગારી આપવાનું માધ્યમ પણ બને છે. આપણે વાત કરી રહ્યા છીએ, રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ વિશે.
મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ માહિતી વિભાગ જનતાને વિકાસલક્ષી યોજનાઓ તેમજ રાજ્ય સરકારના મહત્વપૂર્ણ કાર્યક્રમોની જાણકારી સમયસર, ઝડપથી અને વિશ્વસનીય રીતે પૂરી પાડે છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓને પરંપરાગત માધ્યમ થકી પણ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં માહિતી વિભાગ મહત્વનો ભાગ ભજવે છે.
આ વિભાગ સામાન્ય જનતા અને સરકાર વચ્ચે સંવાદિતા સ્થાપવા સેતુરૂપ ભૂમિકા ભજવે છે, માહિતી વિભાગ એક તરફ રાજ્ય સરકારની યોજનાઓને જન જન સુધી લઇ જાય છે જેના થકી રાજ્ય સરકારની યોજનાઓના લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં સરળતા રહે છે જ્યારે સામાન્ય જનતાના પ્રશ્નો તથા તેમના મંતવ્યો સરકાર સુધી પહોંચાડી દ્વીપક્ષિય સંવાદ સાધવામાં મદદરૂપ થાય છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વિભાગ દ્વારા શેરી નાટક, ભવાઈ, પપેટ શો જેવા પારંપરિક માધ્યમો દ્વારા પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભવાઈ અને નાટક દ્વારા લોકોને ઉપયોગની થાય એવી જાણકારી પણ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૬૦માં પ્રથમ વખત ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયૂટ દ્વારા રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વિશ્વની રંગભૂમિ અને રંગમંચ પર અનેક નાટકો રજૂ થયા છે. ૧૯૬૦માં ઉજવણીની શરૂઆતનો મુખ્ય ધ્યેય રંગભૂમિ થકી વિશ્વ શાંતિ સ્થપાય તે હતો, જેમાં આજદિન સુધી કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી. આજે પણ વિશ્વ શાંતિ માટે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આધુનિક યુગમાં નાનાલાલ દલપતરામ કવિ અને મુક્તાનંદ સ્વામી જેવા નોંધપાત્ર નાટ્યકારો અને કલાકારોના ઉદય સાથે ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં ગુજરાતી રંગભૂમિએ એક અલગ સ્થાન અને મહત્વ મેળવ્યું હતું. ગુજરાતે નાટકોમાં માનવ જીવન સાથે જોડાયેલા વિષયો અને સામાજિક મુદ્દાઓ રજૂ કર્યા હતા. આજે પણ આ ઉદેશ્ય સાથે રંગભૂમિ કામ કરી રહી છે.
ગુજરાત રંગભૂમિનો સદીઓ જૂનો જીવંત અને સમૃદ્ધ વારસો ધરાવે છે. રંગભૂમિના પરંપરાગત સ્વરૂપો ભવાઈ અને રાસલીલા પેઢીઓથી ભજવવામાં આવે છે. ભવાઈ આજે પણ નાટ્યરૂપ અને સામાજિક સંદેશો આપવા માટે સંગીતની સાથે નૃત્ય અને કેટલાક નાટકોમાં વ્યંગનો સમાવેશ કરવામાં આવે છે. તો બીજી તરફ રામલીલા હિંદુ દેવતાઓની દૈવીય શક્તિને રંગભૂમિ પર નિરૂપણ કરવાનું પણ કામ કરે છે.
ભગવદ ગોમંડલ’ ગ્રંથનાં આધારે માની શકાય કે પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલું. ત્યારબાદ ૧૮૫૧માં ‘નર્મદે’, ‘બુધ્ધિવર્ધક’ નામની સંસ્થા શરૂ કરી.એ જ અરસામાં શેકસપિયર કલબની સ્થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું આ ગ્રંથ લખે છે. સુરતનાં કવિ નર્મદે પણ રંગભૂમિ માટે ચાર નાટકો લખ્યા છે. ‘ગુલાબ’ ગુજરાતી સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક છે અને તે પણ સુરતી તળપદી ભાષામાં નગીનદાસ તુળજારામ દ્વારા લખવામાં આવ્યું છે.
વર્ષ ૧૯૬૧માં યુનેસ્કો દ્વારા યોજાયેલી મીટીંગમાં ૧૪૫ દેશોનાં રસિકોએ ભાગ લીધો. ગુજરાતમાંથી ચં.ચી. મહેતા પણ જોડાયેલ અને એમની લાગણી અને માંગણીની વિનંતીને માન આપીને ૨૭ માર્ચ “વિશ્વ રંગભૂમિ દિવસ” ઉજવવાનું નકકી કરાયું હતું. ૧૯૦૧માં ચં.ચી.મહેતાનો જન્મ થયો હતો અને એ જ વર્ષે ‘સુંદરી’નાં નામથી જાણીતા જયશંકર ભોજકે નાટ્યક્ષેત્રે પ્રવેશ કરેલો હતો. ગુજરાતી રંગભૂમિને નવી ઓળખ આપનાર રંગમંચનાં આ બે એક્કાઓનો ફાળો અમૂલ્ય કહી શકાય છે.
રંગમંચના કાર્યક્રમ લાઇવ હોય છે. સ્ટેજ ઉપર ડાયરેકટ ટેઇક જ હોય છે, રીટેક થતો જ નથી. ગુજરાતી રંગમંચ પર ભજવાતાં નાટકોએ ગુજરાતી ભાષા અને સાહિત્ય વારસાનો એક અમૂલ્ય ભાગ છે. રંગમંચ પર સુખ અને દુઃખ, પ્રેમ અને ક્રોધ, વેર-ઝેર, તારું ને મારું ગૃહસંચાર, સમાજની વાસ્તવિકતા, માનવીનાં જીવન સાથે સંકળાયેલી અનેક બાબતો નાટકો રૂપી ભજવાય રહી છે.
સમયાંતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલતી રહી છે આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્ક, એડીટીંગ વગેરેમાં અલ્ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. જ્યાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ પણ જીવે છે. આમ, ગુજરાતી રંગમંચ એ ગુજરાતી ભાષા અને સાહિત્યને બચાવવાનો એક પ્રયાસ છે.