ભારતીયોને ગેરકાયદેસર અમેરિકા-કેનેડા દેશોમાં મોકલવા માટેનું મોટુ રેકેટ ઝડપાયું
ઇડીએ બેંક ખાતા ફ્રીઝ કર્યા-મની લોન્ડરિંગ સંદર્ભે ઈડીના ત્રણ રાજ્યોમાં ૨૯ સ્થળે દરોડા
નવી દિલ્હી, કેન્દ્રીય એજન્સી ઇડીએ ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત કેટલાક સ્થળોએ ફરી દરોડા પાડયા છે. વિદેશમાં ભારતીયોને મોકલવા માટે ચાલી રહેલા રેકેટની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત સહિતના કેટલાક રાજ્યોથી અમેરિકા, કેનેડા વગેરે દેશોમાં ગેરકાયદે ભારતીયોને મોકલવા માટે એક મોટુ રેકેટ ચાલી રહ્યું છે. ઇડીએ બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે જ્યારે આરોપીઓની પાસેથી દસ્તાવેજો અને ડિવાઇસ પણ મળી આવ્યા છે.
આ રેકેટ સાથે સંકળાયેલા એજન્ટો અને અન્યોની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઇડીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત અમે ૧ માર્ચથી આ ત્રણ રાજ્યોમાં આશરે ૨૯ જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા.
આ જ પ્રકારની તપાસ ગત જાન્યુઆરી અને ફેબુ્રઆરી મહિનામાં પણ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા કેટલાક મુખ્ય આરોપીઓ જેમ કે ભરતભાઇ ઉર્ફે બોબી પટેલ, રાજુભાઇ બેચરભાઇ પ્રજાપતિ, ભાવેશ અશોકભાઇ પટેલ અને અન્ય કેટલાક સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી તે બાદ ઇડી દ્વારા આ તપાસ અભિયાન શરૂ કરાયું છે.
પોલીસે ચાર્જશીટમાં ખુલાસો કરતા કહ્યું હતું કે આરોપીઓ ભારતીયોના બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવીને તેમને વિઝા અપાવીને વિદેશ મોકલી રહ્યા છે, આ રેકેટ ૨૦૧૫થી ચાલી રહ્યું છે. ઇડીએ જણાવ્યું હતું કે આ બનાવટી દસ્તાવેજોના આધારે વિઝા અપાવવા બદલ આરોપીઓ એક વ્યક્તિ પાસેથી ૬૦થી ૭૫ લાખ રૂપિયા પડાવવામાં આવતા હતા. જ્યારે કપલ હોય તો એકથી સવા કરોડ રૂપિયા લેવામાં આવતા હતા. જો કપલની સાથે બાળકો હોય તો રકમ બમણી થઇને ૧.૭૫ કરોડ સુધી પહોંચી જતી હતી.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓને બોગસ વિદ્યાર્થી વિઝા અપાવાતા હતા જ્યારે તેઓને જે શૈક્ષણિક સંસ્થા માટે વિઝા મળ્યા હોય ત્યાં તેઓ ક્યારેય પણ જોડાયા નહોતા. ભરત પટેલની પોલીસે ૨૦૨૨માં ધરપકડ કરી હતી.
અત્યંત ઠંડીમાં કેનેડાથી અમેરિકા પગપાળા જતી વખતે એક પરિવારનું મોત નિપજ્યું હતું તે કેસમાં પણ ગુજરાતી એજન્ટનું નામ ખુલ્યું હતું. ઇડીની તાજેતરની તપાસમાં આ તમામને સાંકળી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી સાચા પાસપોર્ટ, ઓળખપત્રો, ડિજિટલ ડિવાઇસ, બે વૈભવી કારને જપ્ત કરાયા છે સાથે જ રૂપિયા ૫૦.૧૦ લાખની ડિપોઝિટ સાથે બેંક ખાતાને ફ્રીઝ કરાયા છે.