Western Times News

Gujarati News

જૂની ગટર લાઈન કાઢી તેની જગ્યાએ નવી ગટર લાઈન નાંખવામાં મોટું કૌભાંડ

નવી કામગીરીમાં જૂની ગટર સંપૂર્ણ રીતે કાઢી નાખી નવેસરથી બંને તરફ દિવાલ બનાવી ગટર લાઈન બનાવવાની હતી તેની જગ્યાએ જૂની ગટર લાઇનના દિવાલના ચણતરના બે ત્રણ થર કાઢી તેની ઉપર નવા બે ત્રણ થર મારી પ્લાસ્ટર કરી ગટર બનાવાઈ રહી છે

ભરૂચ, ઝઘડિયા તાલુકા પંચાયતની કામગીરીમાં ગોબાચારી છડે ચોક થઈ રહી છે છતાં પણ તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયતનો સ્ટાફ સબ સલામતના દાવા કરી રહ્યા છે.

ઝઘડિયા તાલુકાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયાના ટાવર રોડ પર કન્યાશાળાથી નાળા સુધી આશરે ૧૦ લાખના ખર્ચે નવી ગટર લાઈન મંજૂર થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે !

સ્થાનિકોના જણાવ્યા મુજબ જૂની ગટર લાઈન સંપૂર્ણ કાઢી નાખી તેની જગ્યાએ નવી ગટર લાઈન બનાવવાની કામગીરી મંજૂર થઈ છે ! પરંતુ ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા જે કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું છે તે ચિરાગ એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાક્ટર દ્વારા જૂની ગટર લાઇનના બંને તરફની દીવાલના બે ત્રણ ઈંટોના ચણતરના થર કાઢી નાખી

જુની ગટર લાઇનના પાયા ઉપર જ નવી ઈંટોના બે ત્રણ ચણતરના થડ ચણી નવા અને જૂના ચણતરને પ્લાસ્ટર કરી ગટર બનાવાઈ રહી છે ! સ્થાનિકો દ્વારા આ બાબતે જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે અને ગટર લાઈન સંપૂર્ણ કાઢી નાખી નવેસરથી બનાવવાની રજૂઆત કરી છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગટર લાઈન ઉપર જે ઢાંકણ ઢાંકવાના છે તે સિમેન્ટ કોંક્રિટના ઢાંકણ બનાવવા માટે પણ જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા જુના સળિયાઓ લાવી કામ કરાતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે ! આ બાબતે કોન્ટ્રાક્ટર પાસે સ્થાનિકોએ ગટરની કામગીરીનો એસ્ટીમેટ તથા વર્ક ઓર્ડરની માંગણી કરી હતી

તો કોન્ટ્રાક્ટરે તે તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં માંગણી કરી છે કે તેમને બની રહેલ ગટર લાઈનના કામનો એસ્ટીમેન્ટ અને વર્ક ઓર્ડર આપવામાં આવે પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેમને તે હજી આપવામાં આવ્યો નથી અને તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં મોજુદ નથી

તેમ મૌખિક જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ગટર લાઈનની કામગીરી હજુ પૂર્ણ નથી તે પહેલા જ જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા બે હપ્તામાં છ થી સાત લાખ જેટલા નાણાંનો ઉપાડ આ ગટર લાઈનના કામ પેટે કરી લીધો છે તેવું ગુજરાત સરકારના ઈ સ્વરાજ પોર્ટલ પરથી જાણવા મળ્યું છે !

ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા કેટલાક કામો એવા કરવામાં આવે છે કે જે કામ થઈ ગયું હોય અને તેની ઉપર થોડું કામ નવું કરી જૂના કામ સહિતનું સર્વે કરી બીલ બનાવી જબરજસ્ત ગોબાચારી કરવામાં આવે છે. ગત વર્ષે જૂની ૧૦૦ મીટરની લાઈન બનાવી હોય

અને તેજ ચાલુ વર્ષમાં નવી વધુ ૧૦૦ મીટરની મંજૂર કરી કુલ ૫૦ મીટર કામ કરી ૧૦૦ મીટરનુ બીલ બનાવી મંજૂર કરવામાં આવે છે તેવી બૂમો પણ ઝઘડિયા તાલુકાના ગામોની ગ્રામ પંચાયતોમાંથી ઊઠવા પામી રહી છે ઝઘડિયા તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે ત્યારે તેના પરથી સરકાર કેટલું પારદર્શક કામ કરે છે તે જણાય છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.