મતદાર જાગૃતિ અભિયાન હેઠળ સ્વીપ ટીમ દ્વારા દાંતા ખાતે બાઇક રેલી યોજાઇ
(માહિતી બ્યુરો,પાલનપુર) વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન હેઠળ સ્વીપ ટીમ બનાસકાંઠા દ્વારા દાંતા ખાતે બાઇક રેલી યોજાઇ હતી. અવસર લોકશાહીનો….. અને લોકશાહી સર્વથી વોટ ગર્વથી….. વોટ ફોર ડેમોક્રેસી… ના બેનરો સાથે યોજાયેલી આ બાઇક રેલીનું ૧૦- દાંતા વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી સિધ્ધિ વર્માએ પ્રસ્થાન કરાવ્યું હતું.
દાંતા પ્રાંત કચેરીથી શરૂ થયેલી આ બાઇક રેલીએ દાંતાના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન કરવા અંગે સંદેશો ફેલાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિનુભાઇ પટેલની ટીમ દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મતદાર જાગૃતિના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.