‘રાષ્ટ્રીય એકતા દિન’ નિમિત્તે ડાંગ જિલ્લામા યોજાઈ બાઈક રેલી

‘રાષ્ટ્રીય એકતા દિન’ નિમિત્તે ડાંગ જિલ્લામા યોજાઈ બાઈક રેલી ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યુ ;મોરબી ખાતે ઘટેલી ઘટનાના દુર્ઘટનાગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરાઇ
(ડાંગ માહિતી): ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, જિલ્લાભરમા ઠેર ઠેર બાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ઉજવણીના ભાગરૂપે આહવા ખાતે યોજાયેલી બાઇક રેલીને, ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ ગાંધી ઉધાનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રસ્ટા લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને દેશ સમસ્તમા રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામા આવે છે. જેના ભાગરૂપે આજે ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની આગેવાની હેઠળ, આહવા ખાતે આયોજિત આ બાઈક રેલી સાથે તાલુકા મથકો, અને ગ્રામ પંચાયત કક્ષાએ પણ આ પ્રકારની રેલીઓ આયોજિત કરાઈ હતી. આ રેલીમા જિલ્લાના પોલીસ જવાનો તેમજ સ્થાનિક લોકોએ જાેડાઇ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો સંદેશ ગુંજતો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત સાંજે મોરબીમા ઘટેલી ઘટનાને પગલે દુર્ઘટનાગ્રસ્ત લોકો માટે, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિન’ ની સાદાઈ પૂર્વક ઉજવણી કરી વિશેષ પ્રાર્થના પણ કરાઈ હતી.