પક્ષીપ્રેમી મહિલા પોતાના ઘરમાં 64 વિદેશી પેરટની માવજત કરે છે
ધર્મજના અર્ચના પટેલનો અનોખો પક્ષી પ્રેમ-દિન પ્રતિદિન વધતા જતા મુલાકાતીઓ
પેરટ પેટ હાઉસ
ધર્મજમાં ગાંધીચોક સ્થિત ધૂન પેરટ હાઉસ ખાતે આફ્રિકન અને સાઉથ અમેરિકનના નાના – મોટા ૬૪ જેટલા પેરટ રાખવામાં આવેલ છે.
જેમા સેનેગલ, રમ્પ પ્રેડ, ઈઓનર્સ, સન કનુર, જેનેડી, ગ્રીન ચીક, યલો સાઈડેડ, સિનેમન, ઝોન્ડિયા, ક્રિમ્ઝન બેબી, બ્લેક કેપ, પાલીગ્રે, બ્રેસ્ટેડ, આફ્રિકન ગ્રે, એક્લેકટેશ, ઓરેન્જ વિંગ એમેઝોન, બ્લ્યૂ અને ગોલ્ડન મકાઉ, ગ્રીન વિંગ મકાઉ તથા ઓસ્ટ્રેલિયન મોલુકન કોકાટુ, ગાલા કોકાટુ વગેરે જાતીના રંગબેરંગી પેરટનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે આ પેરટનું આયુષ્ય ર૩ થી રપ વર્ષ હોય છે. પરંતુ ૧પ થી ૧૭ વર્ષ સુધી ખુબ સારી રીતે જીવે છે. તેવીજ રીતે તિબેટિયન ડોગનું આયુષ્ય ૧ર થી ૧પ વર્ષનું હોય છે. અહિયા રહેતા પેરટ પૈકી આફ્રિકન ગ્રે તથા મોલોકન કોકાટુ મ્યુઝિક સાથે ડાન્સ અને ગીત પણ ગાતા હોય છે. ઉપરાંત આ પક્ષીઓ ઘરના સભ્યો સહિત મુલાકાતીઓ સાથે વાતો પણ કરતા હોય છે.
(પ્રતિનિધિ) પેટલાદ, ચરોતરના પેરિસ ગણાતા અતિ ધનાઢય અને એનઆરઆઈ ટાઉન તરીકે પ્રસિદ્ધ થયેલ ધર્મજ ખાતે અનોખો પક્ષી પ્રેમ જાેવા મળ્યો છે. ધર્મજની એક બિઝનેશ વુમન અર્ચના પટેલને વિદેશી પક્ષીઓનો અનોખો પ્રેમ છે.
પોતાના રહેઠાણ સ્થળેજ ૬૪ જેટલા વિદેશી પેરટ રાખી તેની સાર સંભાળ અને માવજત રાખે છે. ચરોતરના આ નાનકડા ધર્મજ ગામ ખાતે આવેલ વિદેશી પેરટને નિહાળવા દિન પ્રતિદિન વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ આવી રહ્યા છે.
ધર્મજના ગાંધીચોક ખાતે અર્ચના શૈલેષભાઈ પટેલ રહે છે.
તેઓના નિવાસ સ્થાને આફ્રિકન અને અમેરિકન જૂદી જૂદી જાતીના ૬૪ જેટલા પેરટ રાખે છે. રંગબેરંગી આ પેરટની સાર સંભાળ, માવજત વગેરેનું ધ્યાન અર્ચના પટેલ પોતે રાખે છે. તેઓએ આ પક્ષી પ્રેમ સંદર્ભે જણાવ્યું હતુ કે તેઓ નાનપણમાં અમદાવાદ ખાતે રહેતા હતા.
ત્યારે તેઓ સવાર સાંજ રમવા માટે સુંદરવન જતા હતા. જ્યા તેઓ પક્ષીઓ, બિલાડી, ડોગ વગેરે સાથે સમય ગાળતા હતા. જેથી તેઓને પક્ષીઓ સાથે વિશેષ લગાવ રહ્યો છે. ત્યારબાદ તેઓ પોતાના ઘરે દેશી બિલાડી અને પેરટ રાખતા હતા. તેઓના પિતાજી કોમેડિયન આર્ટિસ્ટ સાથે બેન્કમાં નોકરી કરતા હતા.
જ્યારે માતા લેખિકા હતા. અર્ચના પટેલે ભારતીય સંસ્કૃતિ સાથે સ્નાતક અને પેરામેડિકલ નર્સિગમાં ગ્રેજ્યુએશન કરેલ છે. અર્ચના પટેલ લગ્ન કરી ધર્મજ ખાતે આવ્યા હતા. સમય જતા તેઓનો પક્ષી પ્રેમ વધી રહ્યો હતો. જેથી તેઓએ પોતાના ઘરમાં જ એક પછી એક આફ્રિકન અને અમેરિકન પેરટ રાખવાના શરૂ કર્યા હતા.
અત્યાર સુધી તેઓના નિવાસ સ્થાને જુદી જુદી જાતીના ૬૪ જેટલા રંગબેરંગી પેરટ છે. દિવસ દરમિયાન તેઓને બે ટાઈમ જરૂરી ખોરાક, પાણી વગેરે આપવામાં આવી રહ્યા છે.
ઉપરાંત તેઓને રમવા માટે લાકડાના જુદા જુદા રમકડા પણ ઉપલબ્ધ કર્યા છે. તેઓની સાર સંભાળ સાથે વધુ બે કલાક નિયમીત પણે રમવા માટે અર્ચના પટેલ સમય ફાળવે છે. તેઓએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતુ કે પક્ષીઓને દિવસ દરમિયાન ૧ર કલાકની ઉંઘ અંધારા સાથે જરૂરી હોય છે.
ઉપરાંત પેરટની તંદુરસ્તી, સાફ સફાઈ વગેરેનું નિયમીત ધ્યાન રાખવામાં આવે છે. દર ત્રણ મહિને પક્ષીઓને ડિવોર્મિંગ પણ આપવામાં આવતુ હોય છે. જાે આ પક્ષીઓને સમયસર ખોરાક ના મળે કે રમવામાં ન આવે તો પક્ષી ચિડિયુ થઈ જાય છે. જેને કારણે પક્ષી જાતે જ પોતાના પીછા કાઢી નાખે છે.
જેથી પક્ષીઓની વિશેષ અને નિયમીત સંભાળ માટે ચાર જેટલા માણસો પણ રાખવામાં આવ્યા છે. પક્ષીઓને તકલીફ ના પડે તે માટે આ ચાર વ્યક્તિઓને એક સાથે ક્યારેય રજા આપવામાં આવતી નથી. અર્ચના પટેલ પોતે બ્રાઈડલ સ્ટુડિયોના વ્યવસાય સાથે જાેડાયેલ બિઝનેશ વુમન છે. છતા તેઓ દિવસ દરમિયાન પક્ષીઓ સાથે બે કલાક રમવાનું ક્યારેય ચુકતા નથી. તેઓના આ પક્ષી પ્રેમને કારણે તેઓએ આ ઘરને ધૂન પેટ હાઉસ નામ આપેલ છે.