‘આપ’ને ફટકોઃ ધારાસભ્યપદેથી ભૂપત ભાયાણીનું રાજીનામું
ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે: ભાજપના ઓપરેશન લોટસમાં આપના વધુ બે ધારાસભ્યો રડારમાં
ગાંધીનગર, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે પોતાના પદ ઉપરથી રાજીનામું આપતા વિધાનસભાની એક બેઠક ખાલી પડી હતી. ભૂપત ભાયાણી આગામી સમયમાં ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી શકયતા છે. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું સંખ્યા બળ ઘટીને ચાર થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે સવારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળ્યાં હતા. તેમજ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ભૂપત ભાયાણી વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા. સરપંચથી ધારાસભ્ય પદ સુધી પહોંચનાર ભૂપતભાઈ વર્ષે ૨૦૨૨માં ભાજપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયાં હતા. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેમને વિસાવદર બેઠક ઉપરથી ટીકીટ ફાળવી હતી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવીને તેઓ ધારાસભ્ય બન્યાં હતા.
વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોનું સંખ્યાબળ હતું. જે ઘટીને હવે ચાર બન્યું છે. હવે આગામી દિવસોમાં આ બેઠક ઉપર પેટાચૂંટણી યોજાશે. બીજી તરફ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી શકયતા છે. રાજીનામુ આપ્યા બાદ ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને પ્રજાના કામ કરવા છે. પહેલા ભાજપનો જ કાર્યકર્તા હતો.ભાજપમાં ૨૨ વર્ષથી પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે. તમામ કાર્યકરો સાથે વાત કરીને રાજીનામાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આપના વધુ બે ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.
આમ આદમી પાર્ટીમાંથી વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું છે અને અધ્યક્ષ શંકર ચૌધરીએ આ રાજીનામાનો સ્વિકારી કર્યો છે તે સાથે જ ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડ્યો છે અને હવે તે ભાજપમાં જોડાય શકે તેવી ચર્ચા છે ત્યારે આમ આદમીને વધુ બે ઝટકા લાગી શકે છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આપના વધુ ૨ ધારાસભ્યો રાજીનામુ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે.
ભૂપત ભાયાણી સિવાય વધુ બે ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના આપના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામુ આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો રહ્યા છે જો વધુ બે ધારાસભ્યો રાજીનામું આપશે તો ગુજરાત વિધાનસભામાં આપના ધારાસભ્યોની સંખ્યા બે રહી જશે.