‘એકમેવ…ધીરુભાઈ અંબાણી’ પુસ્તક યુવાપેઢી માટે પ્રેરણાસ્ત્રોત બનશે : રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પરિમલભાઈ નથવાણી લિખિત પુસ્તક ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’નું લોકાર્પણ
જેમણે પોતાના સેવાકાર્યોથી કીર્તિ, સન્માન અને પ્રતિષ્ઠા મેળવ્યા છે એવા ધીરુભાઈ અંબાણી આજે અવસાનના ૨૧ વર્ષ પછી પણ માનસપટલ પર છવાયેલા છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
લોકોનું જીવન ધોરણ સરળ બનાવવા અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા ધીરુભાઈ જીવનપર્યંત સંકલ્પબદ્ધ રહ્યાં- ગુજરાતને ઉદ્યોગ-વેપાર ક્ષેત્રે વિશ્વમાં ગૌરવ અપાવવામાં એક ગુજરાતી તરીકે ધીરુભાઈ અંબાણી દિશાદર્શક બન્યાં છે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણી દ્વારા ત્રણ ભાષાઓમાં લખાયેલા પુસ્તક ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’ નું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતની ભૌતિક ઉન્નતિમાં મહત્વનું યોગદાન આપનાર મહાનાયક શ્રી ધીરુભાઈ અંબાણીની પથદર્શક વાતોને સમાવિષ્ટ કરતું આ પુસ્તક યુવાપેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાવ્ય પંક્તિઓ, “પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું…” નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ પુસ્તક પુરુષાર્થ સામે પ્રારબ્ધને પણ નમવું પડે તેની પ્રતીતિ કરાવે છે.
ગાંધીનગરમાં રાજભવનમાં આયોજિત એક સમારોહમાં શ્રી પરિમલભાઈ નથવાણી દ્વારા ગુજરાતી અને હિન્દી ભાષામાં લિખિત પુસ્તક ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’ અને અંગ્રેજીમાં ‘વન એન્ડ ઓન્લી… ધીરુભાઈ અંબાણી’નું લોકાર્પણ કરાયું હતું. નવભારત પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું વિમોચન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેમણે પોતાના સેવાકાર્યોથી કીર્તિ, સન્માન અને પ્રતિષ્ઠા મેળવ્યા છે એવા શ્રી ધીરુભાઈ અંબાણી આજે અવસાનના ૨૧ વર્ષ પછી પણ માનસપટલ પર છવાયેલા છે.
શ્રી ધીરુભાઈ અંબાણી મહાપુરુષોની શૃંખલાનું એવું નામ છે જેમણે આ દેશને આર્થિક ઉન્નતિ અપાવી. આવનારી પેઢીઓ માટે રોજગારીની વિપુલ તકો ઊભી કરીને દેશને આત્મનિર્ભરતાની દિશા તરફ દોરી ગયા. માનવતાની ભલાઈ માટે, લોકકલ્યાણ માટે, રાષ્ટ્ર ઉત્થાન માટે અને દિન-હીનની સહાયતા માટે આજીવન પ્રયત્નશીલ રહેલા શ્રી ધીરુભાઈ અંબાણીનું જીવન સાર્થક છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,
સૌરાષ્ટ્રના એક નાના ગામમાં સામાન્ય કહી શકાય એવા પરિવારમાં જન્મેલા શ્રી ધીરુભાઈ અંબાણીએ ઈચ્છા અને આકાંક્ષાઓથી જિંદાદિલીભર્યું જીવન જીવી બતાવ્યું. આવા ધીરુભાઈ અંબાણીની નાનામાં નાની ગતિવિધિઓ સાથે જોડાયેલા શ્રી પરિમલભાઈ નથવાણીએ પ્રમાણિકતા પૂર્વક આ ગ્રંથ માં પ્રમાણિત વસ્તુઓ આલેખી છે.
જેવી રીતે એક પોસ્ટકાર્ડ સામાન્યમાં સામાન્ય માનવીને પરવડે છે એ પ્રકારે મોબાઈલ ફોન; જે એક જમાનામાં પ્રતિષ્ઠાનું માપદંડ કહેવાતો હતો તેને સામાન્યમાં સામાન્ય નાગરિકની પહોંચ સુધી લાવી દીધો. અસંભવને સંભવ કરતાં શ્રી ધીરુભાઈ અંબાણીને આવડતું હતું,
એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, તેમણે સમસ્યાઓને સીડી બનાવીને પ્રગતિ કરી છે. આત્મબળથી જનૂનપૂર્વક કામ કર્યું છે, સંઘર્ષ કર્યો છે. આવા પ્રેરણાદાયી વ્યક્તિના જીવન ચરિત્રનું આ પુસ્તક વાંચીને અનેક લોકોને પ્રેરણા મળશે. આવનારી પેઢીઓના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’ પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાનશ્રી હંમેશા દેશના યુવાનોને ધીરુભાઈ અંબાણીની માફક ઉદ્યોગ સાહસિક બની દેશસેવા કરવા માટે પ્રેરણા આપે છે, સ્ટાર્ટ અપ માટે પ્રોત્સાહિત કરે છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાવ્યની પંક્તિ ‘પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ હું પડકાર ઝીલનારો માણસ છું…’ નો ઉલ્લેખ કરીને પુરુષાર્થ સામે પ્રારબ્ધને પણ નમવું પડે તેની પ્રતીતિ કરાવતું પુસ્તક હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થવા અંગે જણાવ્યું હતું કે, આ સમિટની શરૂઆતથી જ રિલાયન્સ જૂથ સક્રિય ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. ઉદ્યોગનું કોઈ એવું ક્ષેત્ર નથી જેમાં ધીરુભાઈનું યોગદાન ન હોય. તેમણે લોકોના જીવનધોરણ સરળ કરવાનો અને દેશના અર્થતંત્રને મજબૂત કરવા જીવનપર્યંત સંકલ્પબદ્ધ રહ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રીએ ધીરુભાઈના સંઘર્ષ અંગે કહ્યું કે, તેમણે જોયેલા સપના સાકાર કરવાની ધગશ એ તેમની જીવનયાત્રામાં સામાન્ય બાબત રહી હતી. તેમની પાસે ઉદ્યોગ સ્થાપવા શરૂઆતમાં ભલે કોઈ ખાસ મૂડી નહોતી, પરંતુ હિમાલય જેટલી ઊંચી ઇચ્છાઓ પૂરી કરવાની ભારે ધગશ હતી. ધીરુભાઈ અંબાણી એક ગુજરાતી તરીકે ગુજરાતને ઉદ્યોગ-વેપાર ક્ષેત્રે વિશ્વમાં ગૌરવ અપાવવામાં તરીકે દિશાદર્શક બન્યાં છે. તેમના આ યોગદાનને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૬માં મરણોપરાંત ‘પદ્મવિભૂષણ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે એમ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.
આ અવસરે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’ પુસ્તકથી નવી પેઢીને વિઝનરી ઉદ્યોગપતિ શ્રી ધીરુભાઈ અંબાણીના સંઘર્ષની જાણકારી મળશે. ધીરુભાઈએ આપેલું સૂત્ર ‘કર લો દુનિયા મુઠ્ઠી મે’ સૌએ સાંભળ્યું હશે, પરંતુ આ દુનિયા કઈ રીતે મુઠ્ઠીમાં થઈ તેની સંઘર્ષગાથા આ પુસ્તકમાં છે.
આ પુસ્તક દ્વારા ધીરુભાઈએ જીવનમાં આવતી સમસ્યાઓ વિરુદ્ધ કેવી રીતે લડીને સફળતા પ્રાપ્ત કરી અને કેવી રીતે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા એની વાત આ પુસ્તકમાં લખાયેલી છે એમ મંત્રીશ્રી સંઘવીએ ઉમેર્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં ધીરુભાઇના અવસાન બાદ સમયાંતરે પરિમલ નથવાણીએ ધીરુભાઇ વિષે વિભિન્ન અખબારો વગેરેમાં લખેલા લેખોનું સંપાદન છે.
શ્રી પરિમલ નથવાણીએ ઘણાં લાંબા સમય સુધી રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણી સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. તેમના શ્રી ધીરુભાઈ અંબાણી સાથેના આ કાર્યકાળ દરમિયાન તેઓ ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ, વગેરેથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પુસ્તકમાં શ્રી નથવાણીએ શ્રી ધીરુભાઈ સાથેના તેમના અનુભવોને શાબ્દિક સ્વરૂપ આપ્યું છે. શ્રી ધીરુભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ, જેમ કે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ, વગેરેને સુપેરે આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.
આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં આ પુસ્તકના લેખક શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “શ્રી ધીરુભાઈ અંબાણી સાથેનો મારો નાતો જગજાહેર છે. ફલતઃ આ પુસ્તકની વિગતોમાં મારા આદર્શ પુરૂષ શ્રી ધીરુભાઈ અંબાણીની મારા મન પર પડેલી અસર, મારાં અવલોકનો અને મને થયેલી વિવિધ અનુભૂતિ વગેરે પ્રતિબિંબિત થઇ છે અને તે સ્વાભાવિક પણ છે.”
આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું છે કે, “પરિમલભાઈએ મારા પિતા સાથેના એમના સંબંધો તેમજ મારા પિતાની જીવનશૈલીને આલેખતા અનેક પ્રસંગો યાદ રાખીને આ પુસ્તકમાં સમાવ્યા છે અને આ પુસ્તક લોકોને વાંચવું ગમે, પ્રેરણાદાયી બને એવું લાગે છે, એ માટે મારે પરિમલભાઈને ધન્યવાદ આપવા છે. મારા પિતા વિશે આ પુસ્તકમાં ઘણું લખાયું છે. અંબાણી પરિવાર તેમજ રિલાયન્સ ઉદ્યોગગૃહની ઝીણીઝીણી કેટલી ઘટનાઓનું સંકલન આ પુસ્તકમાં છે, જે મને લાગે છે કે પરિમલભાઈ સિવાય બીજું કોઇ સમાવી ન શક્યું હોત.”
આ પુસ્તક વિમોચન પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રી મુળૂભાઇ બેરા, સાંસદો સુશ્રી પૂનમબેન માડમ, શ્રી રાજેશ ચુડાસમા, ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, વિવિધ ઉદ્યોગગૃહોના વડાઓ, રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, વરિષ્ઠ અધિકારીઓ, પ્રતિનિધિઓ, મહાનુભાવો સહિતના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.