Western Times News

Gujarati News

વર્ષ 2017માં ઘરેથી કહ્યા વગર નિકળી ગયેલો પોરબંદરનો કિશોર 6 વર્ષ બાદ અમદાવાદમાંથી મળ્યો

યુવકે  આધારકાર્ડ અપડેટ કરાવ્યું અને મળ્યો પતો-અમદાવાદ ખાતે ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હોવાનું ખુલ્યું છે.

કિશોરનું તેના માતા-પિતા અને બહેન સાથે મિલન કરાવતા અશ્રુનો દરિયો વહ્યો હતો- બહેને ભાઈના હાથામાં રાખડી બાંધી હતી અને પરિવારજનોએ પોલીસ અધિકારીને હાર તોરા કરી મોઢું મીઠું કરાવ્યું હતું.

જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને પોલીસની સતર્કતાથી પરિવારજનો સાથે થયું મિલનઃ યુવકે  આધારકાર્ડ અપડેટ કરાવ્યું અને મળ્યો પતો

પોરબંદર, બોખીરાનો કિશોર ઈ.સ.ર૦૧૭માં ગુમ થયો હતો અને છ વર્ષ બાદ તે હવે યુવાવયે મળી આવ્યો છે. અમદાવાદ ખાતેથી તેને પોલીસે પોરબંદર લાવીને પરિવારજનોને સોંપ્યો ત્યારે સૌની આંખોમાંથી હરખના આંસુ છલકાઈ ગયા હતા.

બોખીરા વિસ્તારમાં રહેતા સામતભાઈ નાથાભાઈ અમરનો સગીરવયનો પુત્ર સુરેશ ગત તા.ર૭.૪.ર૦૧૭ના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો જે તે સમયે ઉદ્યોગનગરમાં સુરેશના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ અને પરિવારજનોએ શોધખોળ કરી હતી તેમ છતાં તેમની કોઈ ભાળ મળી ન હતી

પરંતુ આ સુરેશ થોડા દિવસો પૂર્વે પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવ્યું હતું આથી પરિવારજનોએ તુરંત બોખીરા વિસ્તારના આગેવાન અને પોરબંદર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ બાપોદરાનો સંપર્ક કરી અને સમગ્ર હકિકત વર્ણવતા અજયભાઈ બાપોદરાએ તુરત ડીવાયએસપી ઋતુ રાબાને જાણ કરી હતી.

પોલીસે આધાકાર્ડના મોબાઈલ નંબરના આધારે અમદાવાદ એસ.ઓ.જી.ની મદદ માગી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સોલંકી સહિતના સ્ટાફે સુરેશને શોધી કાઢયો હતો.

આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કિશોરના અપહરણની ફરિયાદ અંગે જે તે સમયે સઘન તપાસ કરવામાં આવી હતી પણ તેની ભાળ મળી ન હતી ભોગ બનનારની તપાસમાં રહેવાની શરતે સમરી ભરવામાં આવી હતી

કિશોરનું તેના માતા-પિતા અને બહેન સાથે મિલન કરાવતા અશ્રુનો દરિયો વહ્યો હતો બહેને ભાઈના હાથામં રાખડી બાંધી હતી અને પરિવારજનોએ પોલીસ અધિકારીને હાર તોરા કરી મોઢું મીઠું કરાવ્યું હતું.

પોરબંદરનો આ યુવાન કિશોરવયે ગુમ થયો ત્યારે તેની પાછળનુ ંકારણ પ્રેમપ્રકરણ હોવાનું પોલીસે જણાવ્યું હતું કોઈ સાથે પ્રેમ થઈ જતા અહીથી સાથે જવાનું નકકી કર્યું હતું પરંતુ કોઈ કારણોસર સામેનું પાત્ર હિંમત દર્શાવીને નહી આવતા એકલો જ આ કિશોર ચાલ્યો ગયો હતો

અને ત્યારબાદ પણ બે વખત પોરબંદર આવી ચુકયો હોવાનું જણાવ્યું હતું પરંતુ તેની હિંમત નહી થતા ઘરે આવ્યો ન હતો અને અમદાવાદ બાદ રાજસ્થાન પણ તે ગયો હતો અને હાલ પોલીસે તેનો કબજાે લીધો ત્યારે તે અમદાવાદ ખાતે ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હોવાનું ખુલ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.