બેસ્ટ સોંગ રાઈટરનો ઓસ્કાર ભાઈ-બહેનની જોડીએ જીત્યો
બિલી ઈલિશ અને ફિનીઆસની જોડીએ ૮૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચી પર્ફોમન્સ માટે એવોર્ડ જીત્યો
લોસ એન્જલસ, દરેક વ્યક્તિની નજર ઓસ્કર એવોર્ડ્સ પર છે, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ એવોર્ડ્સમાંના એક છે. આ વખતે ઓસ્કાર એવોર્ડ તેના વિજેતાઓના કારણે ઘણી રીતે ખાસ અને અલગ રહ્યો છે. ૯૬મો એકેડેમી એવોર્ડ સમારોહ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો અને ૧૧ માર્ચે સવારે ૪ વાગ્યે ભારતમાં તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં કોઈને પહેલી વખત ઓસ્કારથી નવાજવામાં આવ્યો તો કોઈ ઓસ્કાર જીતીને રેકોર્ડ તોડીને ઈતિહાસ પણ રચ્યો હતો.
૯૬મા એકેડેમી એવોર્ડ્સની ઘણી ખાસ ક્ષણોમાંની એક ઓસ્કાર વિજેતા ભાઈ-બહેન બિલી ઈલિશ અને ફિનીઆસ ઓ’કોનેલની હતી. તેમણે ૮૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચતા તેમના પર્ફોમન્સ માટે એવોર્ડ જીત્યો હતો, જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હતી.
ઘણા મહાન ગાયકો અને ગીતકારોને બેસ્ટ સોંગ રાઈટર તરીકે નોમીનેટ કરવામાં આવ્યા હતા. આ કેટેગરીમાં ૨૨ વર્ષીય બિલી ઈલિશ અને ૨૬ વર્ષીય ફિનીઆસ ઓ’કોનેલ જીત્યા છે. તેમને ફિલ્મ ‘બાર્બી’ના ‘વોટ વોઝ આઈ મેડ ફોર’ સોંગ માટે ઓસ્કાર મળ્યો છે. ૯૬માં એકેડેમી એવોર્ડ જીતીને, બિલી ઈલિશ અને ફિનીસ ઓ’કોનેલે બે વખત ઓસ્કાર જીતનાર ૩૦ વર્ષથી ઓછી ઉંમરના સૌથી યુવા તરીકે ઈતિહાસ રચ્યો છે. આ પહેલા આ એવોર્ડ લુસી રેનરને ૨૮ વર્ષની ઉંમરે મળ્યો હતો.
ઓસ્કાર જીત્યા બાદ બિલી ઈલિશે ઈમોશનલ સ્પીચ આપી હતી. તેમણે ઓસ્કારનો શ્રેય ફિલ્મ બનાવવામાં સખત મહેનત કરનાર દરેક વ્યક્તિને આપ્યો હતો. ૨૦૨૧માં બિલી અને ફિનીસની જોડીએ જેમ્સ બોન્ડ થીમ સોંગ ‘નો ટાઈમ ટુ ડાઈ’ માટે પણ ઓસ્કાર જીત્યો હતો.
બેસ્ટ સોંગના નોમિનેશન
– આઈ એમ જસ્ટ કેન (માર્ક રોન્સન, એન્ડ‰ વ્યાટ)
– ઇટ નેવર વેન્ટ અવે (ડેન વિલ્સન, જોનાથન બેટિસ્ટે)
– વાહજહજહ (સ્કોટ જ્યોર્જ)
– ધ ફાયર ઇનસાઇડ (ડિયાન વોરેન)
– વોટ વોઝ આઈ મેડ ફોર (બિલી ઇલિશ અને ફિનીઆસ ઓ’કોનેલ).