કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે
અમદાવાદ, કસ્ટમ વિભાગમાંથી ડે. કમિશનર તરીકે નિવૃત્ત થયેલા વૃદ્ધના ઘરે બુકાનીધારી ઘૂસી ગયો હતો. શખ્સે હથિયાર બતાવી પૈસાની માગણી કરી હતી. જોકે, વૃદ્ધ અને તેની પત્નીએ તેની સાથે ઝપાઝપી કરીને તેને પકડી પાડ્યો હતો.
આ અંગે આનંદનગર પોલીસને જાણ થતા પોલીસે પહોંચીને આરોપીને ઝડપી લીધો હતો. આનંદનગર રોડ પર આવેલી સ્મીત સાગર સોસાયટીના ૩૪ નંબરના મકાનમાં રમેશ કે ચૌહાણ તેમના પરિવાર સાથે રહે અને નિવૃત્ત જીવન ગુજારે છે. રમેશભાઈ કસ્ટમ વિભાગમાંથી ડે. કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા.
સોમવારે સાંજે રમેશભાઈ તેમના પત્ની સાથે ઘરે હાજર હતા ત્યારે એક બુકાનીધારી તેમના ઘરે આવ્યો હતો અને હથિયાર બતાવીને ઘર મેં જો પૈસા રખા હે દે દો તેવી ધમકી આપી હતી. જેથી રમેશભાઈની પત્નીએ તિજોરીમાં રોકડ રૂ.૨૦ હજાર પડ્યા હોવાની કરતા આ શખ્સે મેરે કો ૫૦ લાખ ચાહિયે તેમ જણાવ્યું હતું. આ દરમિયાન રમેશભાઈએ તેમની પગ પાસે પડેલી ટીપોઈ આ શખ્સ પર નાખી હતી.
જેથી તેનું બેલેન્સ જતા રમેશભાઈ તેની પાસે પહોંચી ગયા હતા અને બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન રમેશભાઈની પત્નીએ તેના પગ પકડી લીધા હતા અને જોત જોતામાં તેમનો દીકરો પણ આવી જતા શખ્સને પકડી લીધો હતો. આનંદનગર પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
જ્યાં રમેશભાઈએ સમગ્ર ઘટના જણાવતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોતાનું નામ દક્ષેશ જોષી(ઉ.વ.૨૦) હોવાનું જણાવ્યું હતું. આરોપીની સાથે અન્ય કોઈ હતું અને કેટલા સમયથી રેકી કરીને લૂંટ કરવા આવ્યો હતો એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.SS1MS