સુરતના સરથાણામાં રૌફ જમાવવા બિલ્ડરે હવામાં ગોળીબાર કરતા ધમાચકડી
સુરત, શહેરના છેવાડે સરથાણામાં બિલ્ડરે રૌફ જમાવવા માટે કારમાં બેસીને સોસાયટીના ગેટ ઉપર બેઠલા લોકોની સામે જ ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે કારના નંબરના આધારે બિલ્ડર અને જમીન દલાલ એવા ઘૂસા બુહા નામની વ્યક્તિની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં ગુરુવારે રાતે એક શખ્સે પોતાની ફોર્ચ્યુનર કારમાં બેઠાં બેઠાં હવામાં ફાયરિંગ કર્યું હતું. સોસાયટીના ગેટ પર ધસી જઈને નજીકમાં રમતા બાળકો અને વડીલોની સામે રૌફ જમાવવાનો પ્રયાસ કર્યાે હતો.
લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં બેસીને જ હવામાં ફાયરિંગ કર્યુ હતું. આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે કારના નંબરના આધારે ફાયરિંગ કરનાર બિલ્ડર ઘુસા બુહાને ઝડપી પાડ્યો હતો. ગુરુવારે રાત્રે સરથાણા પોલીસ મથકથી ૫૦૦ મીટરના અંતરે જ આવેલી વ્રજરાજ રેસિડેન્સી નામની સોસાયટીમાં બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ધસી ગયો હતો.
સોસાયટીમાં એ-૪ બિલ્ડિંગની બહાર બેઠેલા બાળકો અને લોકો પાસે કાર લઈ ગયો હતો. કાર થોડી આગળ ચાલી ગઈ હતી. એટલે કાર રિવર્સમાં લાવ્યો હતો. ત્યારબાદ કોઈક વ્યક્તિ સાથે કંઈક વાતચીત કરી, કોઈ શખ્સ વિશે પૂછપરછ કરી હતી.
જો કે, ત્યાં બેઠેલા સોસાયટીના લોકોએ પોતે કંઈ જાણતા ન હોવાનું બિલ્ડરને જવાબ આપ્યો હતો. ત્યારબાદ કારની અંદર જ બેઠા બેઠા બિલ્ડરે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળી બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા.
આ મામલે પોલીસે જાણ કરી હતી. સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો. સીસીટીવીના આધારે કારના નંબર સહિતની અને ફાયરિંગ કરનાર શોધખોળ હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં બિલ્ડર કમ જમીન દલાલ ઘુસાભાઈ બુહાએ એવો બચાવ કર્યાે હતો કે, મારી પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું નહતું એટલે ટેસ્ટિંગ કરવા માટે ફાયરિંગ કર્યું હતું. જોકે, પોલીસને તેના ખુલાસા ગળે ઉતર્યા નહતાં. તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS