એક ઉદ્યોગપતિએ વેંકટેશ અને રાણા દગ્ગુબાતી સામે ફરિયાદ દાખલ કરી
ફિલ્મનગરમાં એક હોટલને ગેરકાયદેસર રીતે તોડી પાડવા બદલ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે
મુંબઈ, તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા વેંકટેશ દગ્ગુબાતી, તેમના ભત્રીજા રાણા દગ્ગુબાતી અને તેમના પરિવારના સભ્યો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફિલ્મનગરમાં એક હોટલને ગેરકાયદેસર રીતે તોડી પાડવા બદલ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફરિયાદીએ આરોપ લગાવ્યો કે દગ્ગુબાતી પરિવારે તેમને ભાડાપટ્ટે આપેલી જમીનમાંથી બળજબરીથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યાે.
આ કેસમાં ફરિયાદી એક ઉદ્યોગપતિ છે, જેમણે કહ્યું હતું કે ૨૦૧૪ માં દગ્ગુબાતી પરિવારે તેમને ફિલ્મનગરમાં એક પ્લોટ ભાડે આપ્યો હતો. તેમણે આ પ્લોટ પર એક હોટલ શરૂ કરી. જેના માટે બધા કાનૂની દસ્તાવેજો અને રજિસ્ટર્ડ ‘લીઝ ડીડ’ હાજર છે. ઉદ્યોગપતિ કહે છે કે દગ્ગુબાતી પરિવારે જમીન પર દાવો કરીને તેમને ત્યાંથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યાે. આ મામલે તેમણે કોર્ટનો સંપર્ક કર્યાે. જ્યાંથી તેમને કામચલાઉ રાહત તરીકે સ્ટે ઓર્ડર મળ્યો.
ફરિયાદીના જણાવ્યા મુજબ, જાન્યુઆરી ૨૦૨૪ માં, વેંકટેશ, રાણા અને તેમના પરિવારના સભ્યોએ કથિત રીતે કેટલાક અસામાજિક તત્વો સાથે મળીને ભાડાપટ્ટે આપેલી જમીનમાં બળજબરીથી પ્રવેશ કર્યાે અને હોટલનું માળખું તોડી પાડ્યું. ઉદ્યોગપતિએ દાવો કર્યાે હતો કે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને આ પગલું લેવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે આ કાર્યવાહી પછી તેમને ન્યાય માટે નામપલ્લી કોર્ટનો સંપર્ક કરવો પડ્યો.કોર્ટનો આદેશ અને ફરિયાદફરિયાદીની અરજી પર સુનાવણી કરતા, નામપલ્લી કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવા અને મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. આ પછી, ૧૧ જાન્યુઆરીએ, ફિલ્મનગર પોલીસ સ્ટેશનમાં વેંકટેશ, રાણા અને અન્ય લોકો વિરુદ્ધ ગુનાહિત કાવતરું, બળજબરીથી ઘૂસણખોરી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસે પુષ્ટિ આપી છે કે કેસ નોંધવામાં આવ્યો છે અને હવે તેની તપાસ કરવામાં આવી રહી છે.ફરિયાદીનું નામ અગાઉ પણ વિવાદમાં ફસાયું છે. તેઓ ભારત રાષ્ટ્ર સમિતિ ના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના કથિત કેસમાં આરોપી છે. આ કેસમાં તેની ૨૦૨૨ માં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ ચાલુ છે અને આરોપોની સત્યતા ચકાસવા માટે તમામ તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, આ બાબતે દગ્ગુબાતી પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વેંકટેશ અને રાણા દગ્ગુબાતી જેવા મોટા નામો સામેના આ આરોપોએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચાવી દીધો છે.