ઘર બેઠા ઓનલાઇન પૈસા કમાવવાની લાલચમાં વેપારીએ 7.95 લાખ ગુમાવ્યા
ઠગબાજ ઈસમે ટાસ્ક પુરા કરવાથી વધુ કમિશન મળશે તેવી લાલચ આપી હતી
સુરત, સિંગણપોર ચાર રસ્તા કોઝવે રોડ વિસ્તારમાં રહેતા વેપારીને ટેલીગ્રામ અને વોટ્સઅપ ઉપરથી વાત કરનાર ભેજાબાજ ઈસમે અલગ અલગ પ્રોડક્ટના ટાસ્ક પુરા કરવાથી કમિશન આપવાની લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. જોકે બાદમાં વેપારીને ટાસ્ક પુરા કરવાને બહાને ટુકડે ટુકડે કરી કૂલ રૂપિયા ૭.૯૫ લાખ પડાવી લીધા હતા. બાદમાં વેપારીને પોતાની સાથે ઠગાઇની જાણ થતા તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ સિંગણપોર ચાર રસ્તા કોઝ વે રોડ વિજયરાજ સોસાયટીમાં રહેતા મૂળ બોટાદના ૨૬ વર્ષીય હર્ષ અશોકભાઈ ગાબાણી વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. હર્ષ ગાબાણીને ગત તા ૪ નવેમ્બર ૨૦૨૨થી ૮ નવેમ્બર ૨૦૨૨ દરમ્યાન ટેલીગ્રામ અને વોટ્સઅપ નંબર પરથી વાત કરનાર ભેજાબાજ ટોળકીએ ન્યુએપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
અને અલગ અલગ પ્રોડક્ટના ઓર્ડર કરવાથી કમિશન આપવામાં આવશે હોવાની લોભામણી સ્ક્રીમ આપી શરુઆતમાં અલગ અલગ ટાસ્ક પુરા કરવાના બદલામાં કમિશન આપી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અલગ અલગ તેર જેટલા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ૮,૦૮,૪૧૭ ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાંથી રૂપિયા ૧૧,૮૭૫ પરત આપી બાકીના લેવાના નિકળતા રૂપીયા ૭,૯૫,૫૪૨ પરત નહી આપી છેતરપિંડી કરી હતી.