અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Call-Center.jpg)
અમદાવાદ, વેજલપુર વિસ્તારમાં આવેલી સીલીકોન વેલીના એક મકાનમાં કેટલાક લોકો ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. સ્થાનિક પોલીસને આ મામલે બાતમી મળતા રેડ કરી હતી. પોલીસે રેડ કરીને પાંચ આરોપીઓને ઝડપી ૧૦ ફોન અને ત્રણ લેપટોપ કબજે કર્યા હતા. તમામ આરોપીઓ એક બંગલામાંથી કોલ સેન્ટર ચલાવીને અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને ઠગાઇ કરતા હોવાનું ખૂલ્યું છે.
આરોપીઓએ ૧૫ દિવસમાં ૩૦૦થી ૪૦૦ ડોલરની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે.વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. એમ. ચૌહાણની ટીમને બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળતા વેજલપુર પોલીસની ટીમે આઝાદ પાર્ક સોસાયટી પાસે સીલીકોન વેલીના એક મકાનમાં રેડ કરી હતી. આ દરમિયાન પોલીસે સહેજાદ શેખના મકાનમાંથી તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.
બોગસ કોલ સેન્ટર ચલાવનાર સહેજાદ શેખ, કલ્પેશ ગર્ગ (રહે. આશીર્વાદ હોમ્સ, વસ્ત્રાલ), આદીલખાન પઠાણ (રહે. ગોમતીપુર), શાહબાઝ કાયમખાની (રહે. અનીક હોમ્સ, અંબર ટાવર) અને ઝૈદ અંસારી (રહે. પ્રેમ દરવાજા)ની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખૂલ્યું કે અમેરિકન નાગરિકોને લોન આપવા માટે ફોન કરીને આરોપીઓ ઠગાઇ કરતા હતા.
આરોપીઓ ટેક્સ નાઉ નામની એપ્લિકેશનથી લોન માટે અમેરિકન નાગરિકોને ફોન કરતા હતા. આરોપીઓ વીપીએન દ્વારા લોકેશન છુપાવીને વર્ચ્યુઅલ નંબર દ્વારા ફોન કરતા હતા. જેના પર અમેરિકાનો નંબર ડિસ્પ્લે કરીને એક અમેરિકન કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપીને લોન આપવાની વાત કરતા હતા.
જે બાદ અલગ અલગ બેંકોમાં ચેક જમા કરાવીને લોન પ્રોસેસની ફી પેટે યુએસડીટી અને ગિફ્ટ કાર્ડ ખરીદી કરાવતા હતા. જેનું પ્રોસેસિંગ કરાવીને આંગડિયા મારફતે રોકડમાં નાણાં મેળવીને લાખો રૂપિયા કમાતા હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે આરોપીઓના ફોન અને લેપટોપ કબજે કરી એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે.SS1MS