આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 હજાર વૃક્ષ વાવવાના અભિયાનનો શુભારંભ કરાયો
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓમાં ૭૫,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર બાળકો દ્વારા કરવામાં આવે અને તેનો ઉછેર પણ કરવામાં આવે, તેવું આહવાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું,
જેની શુભ શરૂઆત આજ રોજ સાણંદ તાલુકાની શેલા પ્રાથમિક શાળાના પટાંગણમાંથી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શેલા પ્રાથમિક શાળામાં બાળકોની કોડિંગના શિક્ષણને ધ્યાને રાખીને આધુનિક ટેકનોલોજીથી ભરપૂર નવી રોબોટિક લેબનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. અવસર ફાઉન્ડેશનના સહયોગથી આ રોબોટિક લેબ તૈયાર કરવામાં આવી છે.
શેલા પ્રાથમિક શાળાના બાળકોનો સર્વાંગી વિકાસ થાય, નવી શિક્ષણનીતિના ધ્યેયો સિદ્ધ કરી બાળક શિક્ષણમાં રસ લેતો થાય તેવા શુભ આશયથી અવસર ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલા દાન માટે શેલા શાળા પરિવારે ખૂબ આભાર પણ વ્યક્ત કરેલ.
જિલ્લા પંચાયત સદસ્યશ્રી વતી સચિનભાઈ ઠાકોર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તેજસભાઈ અમીન, શેલા ગામના સરપંચશ્રી શેરબાનુ નૌશાદ આલમ સાથે સાણંદ એજ્યુકેશન ટીમ તેમજ અવસર ફાઉન્ડેશનની ટીમ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
અવસર ફાઉન્ડેશન દ્વારા શેલામાં બનાવેલ કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગે આઈ.પી.એસ.શ્રી ભરતભાઈ રાઠોડ, અવસર ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી આનંદ ચતુર્વેદી, શ્રી દેવાંગભાઈ બ્રહ્મભટ્ટ સાથે તેમની સમગ્ર ટીમ પણ ઉપસ્થિત રહી હતી.