અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કારે સર્જ્યો અકસ્માત
વલસાડ, વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક લગ્ઝ્યૂઅરિઅસ રેન્જ રોવર ગાડીએ એક બાઈકને અડફેટે લીધું હતું. આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ રેન્જ રોવરનો ચાલક કાર મૂકીને ઘટનાસ્થળેથી ફારર થઈ ગયો હતો. વલસાડ રૂરલ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે વલસાડના સરોધી નજીક જુજવા ગામના સાવન રાઠોડ નામનો એક યુવક બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તે વખતે જ પાછળથી પૂરઝડપે આવી રહેલી એક રેન્જ રોવર કારએ બાઈકને ટક્કર મારી હતી. પાછળથી બાઈકને ટક્કર વાગતા જ બાઈક ચાલક હવામાં ફંગોળાયો હતો. ત્યારબાદ બાઈક ચાલક હાઇવેની સાઈડમાં પટકાયો હતો. જેમાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
અક્સ્માત સર્જ્યા બાદ રેન્જ રોવર કાર ચાલક અકસ્માતની ઘટનાથી આગળ જઈ હાઇવેની સાઈડમાં જ કાર મૂકી અને ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના કહેવા મુજબ, રેન્જ રોવર કારમાં કારચાલકની સાથે તેનો પરિવાર પણ હતો. પરંતુ અકસ્માત બાદ કાર મૂકી અને પરિવાર સાથે ફરાર થઈ ગયા હતા. આથી લોકોએ પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતા જ ૧૦૮ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વલસાડ રૂરલ પોલીસે આ મામલે હવે કાર ચાલકને શોધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ રાજ્યમાં અનેક જગ્યાએ પૂરઝડપે દોડતી મોંઘીદાટ લગ્ઝ્યૂઅરિઅસ કારોએ અનેક વખત રાહદારીઓ અને નાના વાહન ચાલકોને અડફેટે લીધાના બનાવો બની ચૂક્યા છે. આ આવા અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત વલસાડ નજીક નેશનલ હાઈવે પર લગ્ઝ્યૂઅરિઅસ રેન્જ રોવર કારએ બાઈક સવારને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું છે. આથી તલસાડની આ ઘટના પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે અકસ્માત સર્જ્યા બાદ ઘટના સ્થળેથી પરિવાર સાથે ફરાર થઈ ગયેલા કારચાલકને શોધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તે જરૂરી છે.SS1MS