નિર્માતા એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ
મુંબઈ, નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર કાયદાકીય મુશ્કેલીમાં મૂકાઈ છે. ગંભીર આરોપ લગાવતા માતા-પુત્રી બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ઓટીટી પ્લેટફોર્મ ‘અલ્ટ બાલાજી’ની વેબ સીરિઝ ‘ગંદી બાત’ની સિઝન ૬ સાથે સંબંધિત છે.
આ અંગે એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર પર ‘ગંદી બાત’ની સિઝન ૬ના એપિસોડમાં સગીરાઓના અશ્લીલ દ્રશ્યો બતાવવાનો આરોપ છે.
ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી ૨૦૨૧ અને એપ્રિલ ૨૦૨૧ વચ્ચે ‘અલ્ટ બાલાજી’ પર સ્ટ્રીમ થયેલી આ સીરિઝમાં સગીરાઓના અશ્લીલ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. જોકે, આ વિવાદાસ્પદ એપિસોડ હાલમાં આ એપ્લિકેશન પર સ્ટ્રીમ નથી થઈ રહ્યો.
ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વેબ સીરિઝ ‘ગંદી બાત’ સિઝન ૬માં સિગારેટની જાહેરાતનો ઉપયોગ કરીને મહાપુરુષો અને સંતોનું અપમાન કરવામાં આવ્યું છે. જેના કારણે ફરિયાદીની લાગણી દુભાઈ છે. ઉપરાંત, આ સીરિઝના એક એપિસોડમાં પોસ્કોના નિયમોનું ઉલ્લંઘન કરતા કેટલાક દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે.
તમામ આરોપોને જોતા એવું લાગે છે કે, પોસ્કોની સાથે-સાથે ઇન્ફોર્મેશન ટેન્કોલોજી એક્ટ ૨૦૦૦, વુમન પ્રોહિબિશન એક્ટ ૧૯૮૬ અને સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ ૨૦૦૩ જેવા કાયદાઓનું પણ આ કન્ટેન્ટને કારણે ઉલ્લંઘન થયું છે.
ઉલ્લેખનીય છે કે, એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટિવ હેડ છે, જ્યારે શોભા કપૂર તેની મેનેજિંગ ડિરેક્ટર છે. આ મામલે ફરિયાદ દાખલ થયા બાદ હાલમાં એકતા કપૂર કે શોભા કપૂર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.SS1MS