અકસ્માત કરનારા સગીર સાથે લોકોએ મારામારી કરતા બોડકદેવમાં ફરિયાદ નોંધાઇ
અમદાવાદ, થલતેજ સાંદીપની સોસાયટી પાસે થયેલા હીટ એન્ડ રન કેસમાં ૧૬ વર્ષીય સગીરા દિયા પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. અકસ્માત કરનાર સગીર સામે કાર્યવાહી કરાયા બાદ તેના પિતા અને મોટા ભાઈ સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ટ્રાફિક પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ ઘટનામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અકસ્માતની ઘટના બની ત્યારે કારચાલક સહિત ત્રણ લોકોએ કોઇ પણ જાતનો અફસોસ કર્યાં વગર લોકો સાથે બોલાચાલી ઝઘડો કરીને મારામારી કરી હતી. આ મામલે હવે બોડકદેવ પોલીસે ગુનો નોંધી સગીરની સાથે ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
થલતેજમાં આવેલી સાંદીપની સોસાયટીમાં રહેતા સંદીપભાઇ પ્રજાપતિ શીલજ ખાતે હોટલ ધરાવે છે. ગત તા.૩૧મીએ તેમની ૧૬ વર્ષીય દિયા નામની પુત્રી ઘરની બહાર નિકળી ત્યારે ફોર્ચ્યુનર લઈને આવેલા સગીરે દિયાને ટક્કર મારી હતી. સારવાર દરમિયાન દિયાનું મોત નિપજ્યું હતું.
આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીર સામે ગુનો નોંધ્યો હતો અને બાદમાં સગીરના પિતા તથા ભાઇ સામે ગુનો નોંધ્યો હતો. ત્યારે ઘટના સમયે સગીરે કેટલાક લોકોને ફોન કરીને બોલાવ્યા હતા. આ શખ્સોએ ઘટનાસ્થળે આવીને સોસાયટીના લોકો અને સંદીપભાઇના ભાણા સાથે બોલાચાલી કરીને દાદાગીરી કરી હતી.
આ શખ્સોએ તમે અમારું નામ પૂછવા વાળા કોણ, તમને બધાને પણ પૂરા કરી નાખીશું તેવી ધમકી આપીને મારામારી કરી હતી. સંદીપભાઇના ભાણાને આ મારામારીમાં ઇજાઓ પણ પહોંચી હતી. જેથી હવે આ મામલે દિયાના પિતાએ સગીર સહિત ત્રણ શખ્સો સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એક સગીરાને અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારનાર સગીરે તેના મળતિયાઓ સાથે મળીને સ્થળ પર માથાકૂટ કરીને મારામારી કરી હતી. સગીર હોવા છતાંય બેફામ ગતિએ કાર હંકારી હોવાથી ટ્રાફિક પોલીસે સગીરના પિતા ગોવિંદ ભરવાડની પણ ધરપકડ કરી હતી.
નફ્ફટ સગીરે જે કારથી અકસ્માત કર્યાે તે તેના ભાઇના નામે હોવાથી હવે ટ્રાફિક પોલીસે સગીરના મોટા ભાઈ નિલેશ ભરવાડની પણ ધરપકડ કરી તમામ લોકોને કાયદાના પાઠ ભણાવ્યા છે.SS1MS