ખેડબ્રહ્મામાં ૩૦ ટકા વ્યાજ વસૂલી ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાઈ
(એજન્સી)ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મામાં રહી દરજીકામ કરતાં ઈસમે તાલુકાના અંબાઈગઢા ગામના અને મોબાઈલની દુકાન ધરાવતા વેપારીને ૩૦ ટકાના ઉંચા વ્યાજે ૯૦ હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા જે વેપારીએ વ્યાજ સહિત પરત ચૂકવી આપ્યા હોવા છતાં રકમ બાકી હોવાનું જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા વેપારીએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ખેડબ્રહ્મા તાલુકાના અંબાઈગઢા ગામે રહેતા અરવિંદભાઈ ડાહ્યાભાઈ પરમાર ગામમાં ખેતી અને મોબાઈલની દુકાન ચલાવે છે. તેમને પોતાના કામ સારું નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થતાં તેમણે ખેડબ્રહ્માના ચાંપલપુર વિસ્તારમાં રહેતા ભોગીલાલ ભીખાભાઈ પ્રજાપતિ પાસેથી પહેલાં પ૦ હજાર રૂપિયા લીધા હતા
અને ત્યારબાદ ૪૦ હજાર ફરી લઈ કુલ ૯૦ હજાર રૂપિયા ૩૦ ટકા વ્યાજે લીધા હતા. અરવિંદભાઈ મૂળના ૯૦ હજાર અને ૬૧ હજાર મળી કુલ ૧,પ૧,૦૦૦ ભોગીલાલ પ્રજાપતિને પરત ચૂકવી આપ્યા હતા તેમ છતાં ભોગીલાલ દ્વારા અરવિંદભાઈ પર સતત પઠાણી ઉઘરાણી કરી માં બેન સામે બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપી આર્થિક અને માનસિક રીતે હેરાન કરતાં હોય
અરવિંદભાઈ પરમારે ખેડબ્રહ્માના ભોગીલાલ પ્રજાપતિ વિરૂદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ પ૦૪, ર૯૪(ખ), પ૦૬(ર), પ૦૭, ૩૮૪ તથા ગુજરાત મનીલોન્ડર્સ એકટ ર૦૧૧ની કલમ ૪૦, ૪ર મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.