બાવળા તાલુકાના રાસમ ગામ ખાતે વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ લાવવા સંમેલન યોજાયું

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો
11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં પણ તા.11 જુલાઈથી 23 જુલાઈ સુધીમાં વિશ્વ વસ્તી દિવસ ને લગતા કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં પણ વિશ્વ વસ્તી દિવસને લઈને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વસ્તી નિયંત્રણને લઈને જનજાગૃતિ લાવવા માટે સંમેલન યોજાયું હતું.
અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના બાવળા તાલુકાના રાસમ ગામમાં વસ્તી નિયંત્રણ સંદર્ભે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યત્વે મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યાં હતાં.
વર્ષ 2023ની મુખ્ય થીમ ‘આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઈશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું’ પર વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી.
આ કાર્યક્રમમાં હાજર રહેલા મહિલાઓને કુટુંબ કલ્યાણ વિશે માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત કુટુંબ નિયોજન અંગે પણ સમજાવવામાં આવ્યું હતું તથા તે અંગેની સેવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને સરકારી હોસ્પિટલ સુધી મળી રહે છે તે પણ જણાવ્યું હતું.
વધુમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને દીકરા દીકરી વચ્ચેનો ભેદ ન રાખતા સમાન ગણવા, તથા સ્ત્રી ભૃણહત્યા એક ગંભીર પ્રકારનો ગુનો છે તે વિશેની જાણકારી આપવામાં આવી. આ ઉપરાંત ‘નાનું કુટુંબ, સુખી કુટુંબ’ જેવા સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી વસ્તી નિયંત્રણના આયોજનને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. હેતુલ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.