બસ સ્ટેન્ડો પર વધી રહ્યો છે ખીસ્સા કાતરૂ ગેંગનો તરખાટ
વડોદરા જતા દંપતીએ અંબિકા બસસ્ટેન્ડ પર ૬ર,પ૦૦ની મત્તા ગુમાવી
ગાંધીનગર, ગાંધીનગર જીલ્લાના કલોલ હાઈવે પર આવેલા અંબિકા બસસ્ટેન્ડ પર મોબાઈલ તફડાવી જતી ખીસ્સાકાતરૂ ગેગનો તરખાટ વધી રહયો છે. આવા વધુ એક બનાવમાં પર્સ અને મંગળસૂત્રની તફડંચીનો બનાવ સામે આવ્યો છે.
વડોદરા જતા બોરીસણાના દંપતીને બસમાં ચઢવા જતા અગત્યના ડોકયુમેન્ટ અને રોકડ સહીત રૂ.૬ર,પ૦૦ની મત્તા ગુમાવવી પડી હતી. આ અંગે તેમણે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે.
બનાવની વિગતો એવી છે કે કલોલના બોરીસણામાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા સુનીલકુમારશ સિતારામ કદમ વડોદરા ખાતે તેમના સંબંધીના ઘરે સગાઈનો પ્રસંગ હોવાથી તેમના પત્ની પ્રતીમાબેન સાથે ઘરેથી સવારે નીકળ્યા હતાં. હાઈવે ઉપરના અંબીકાનગર એસ.ટી.ડેપો પર પહોચ્યા ત્યારે પાટણથી સુરત જતી બસમાં તેઓ બેસવા જતા હતા
ત્યારે બીડના કારણે ધકકામુકકી થઈ હતી. તેમ છતાં તેઓ પરાણે બસમાં બેસી શકયા હતાં. બસ ઉપડયા પછી ટીકીટ લેવા માટે સુનીલકુમારેશ ખીસ્સામાં હાથ નાંખ્યો ત્યારે ખબર પડી કે પર્સ ચોરાઈ ગયું છે. તેજ વખતે તેમના પત્ની પ્રતીમાબેન કહયું કે મારા ગળામાંથી મંગળસુત્ર પણ કોઈ શખ્સ ખેચી ગયો છે. જેથી તેમણે કન્ડકટરને કહી ટોલનાકા પર બસ ઉભી રખાવી કલોલ તાલુકા પોલીસ મથકે ફરીયાદ લખાવવા ગયા હતા.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા અનુસાર સુનીલકુમારના ખીસ્સામાંથી ચોરાયેલા પર્સમાં પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, બેકનું એટીએમ અને આધારકાર્ડ તેમજ રૂપિયા રપ૦૦ની રોકડ હતી. તેમજ તેમના પત્નીના ગળામાંથી રૂપિયા ૬૦ હજારની કિમતનું એક તોલા સોનાનું મંગળસૂત્ર ગાયબ થઈ ગયું હતું.
આ અંગેની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા ખીસ્સાકાતરૂ સામે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, અંબીકા એસ.ટી. બસસ્ટેન્ડ પર અઠવાડીયામાં ચારથી વધુ મુસાફરોના મોબાઈલ અને પર્સની તફડંચીના બનાવો બની રહયાં છે. તેમ છતાં પોલીસ આજ સુધી કોઈ ખીસ્સાકાતરૂને પકડી શકી નથી.