ભાડુઆતની વિગત નહીં આપનાર મકાન માલિક વિરૂધ્ધ ગુનો નોંધાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે પોલીસ નોંધણી વિના પરપ્રાંતિય ઈસમને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે આવા મકાન માલિકોએ રાજ્ય બહારના પર પ્રાંતિય ભાડુઆતોને મકાન ભાડે આપતા પહેલા સ્થાનિક પોલીસ દફતરે આ બાબતે જરુરી નોંધ કરાવવાની હોય છે, જેથી કોઈવાર અજાણ્યા ઈસમો દ્વારા જાહેર શાંતિ અને સલામતીનો ભંગ થતો અટકી શકે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા વિસ્તારમાં કેટલાક મકાન માલિકોએ પોલીસ નોંધણી વિના પરપ્રાંતિય ઈસમોને મકાન ભાડે આપેલા હોવાની જાણ થતાં
ઉમલ્લા પીએસઆઈ ચૌધરીની સુચનાથી પોલીસે તપાસ કરતા ઉમલ્લા સ્ટેશન ફળિયામાં જતા એક મકાનમાં ચેક કરતા ત્યાં અનવરભાઈ ઈસ્લામભાઈ અલી મુળ રહે.ઉત્તરપ્રદેશના તેમજ બીજા અન્યએ મકાનમાં ભાડેથી રહેતા હોવાનું જણાવ્યું હતું અને સદર મકાનના માલિક આસિફભાઈ ઉર્ફે અલ્લારખા એહમદભાઈ શેખ રહે.ઉમલ્લાના હોવાની જાણ થતાં
તેમને પુછતા તેમણે જણાવેલ કે મકાન ભાડે આપતી વખતે તેઓએ ભાડુઆત પાસે કોઈ ઓળખ પુરાવા લીધા નથી તેમજ પોલીસમાં આ બાબતે નોંધ પણ કરાવી નથી. ઉમલ્લા પોલીસે આ બાબતે જાહેરનામાનો ભંગ થતો હોઈ પર પ્રાંતિય ઈ સમને પોલીસ નોંધણી વિના મકાન ભાડે આપનાર આસિફ ઉર્ફે અલ્લારખા એહમદભાઈ શેખ રહે.ઉમલ્લા તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.