Western Times News

Gujarati News

11 લાખની છેતરપિંડીઃ તાંત્રીકે પાણીની ડોલમાં કાગળો નાંખ્યાઃ કાઢ્યા તો ચલણી નોટો હતી

પ્રતિકાત્મક

તાંત્રિકની લોભામણીની લાલચમાં ફસાઈને દેવામાં ડૂબેલા વેપારીએ ૧૧ લાખ ગુમાવ્યા-મિત્રએ કહ્યું કે તે એક તાંત્રિકને ઓળખે છે જે તેના રૂપિયા બમણા કરી શકે છે અને તેને દેવામાંથી મુક્ત કરી શકે છે

અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને દેવામાં ડૂબેલા યુઝ્‌ડ-કાર ડીલર દેવામાંથી છૂટવા માટે તાંત્રિક પાસે ગયા અને તેણે બીજા રૂ. ૧૧ લાખના ખાડામાં ઉતારી દીધા. તાંત્રિકે બિઝનેસમેનને વાયદો કર્યો કે તેના દ્વારા કરવામાં આવેલી વિધિથી બિઝનેસમેનના રુપિયા ડબલ થઈ જશે અને તે દેવામાંથી મુક્ત થઈ જશે

આવી વાતોમાં ફસાવીને રુ. ૧૧ લાખ પડાવી લીધા હતા. આ બાબતે પાલડીની શક્તિ સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષીય ચેતન ચૌહાણે સરખેજ પોલીસમાં અનવર થેબા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ૨૦ લાખનું દેવું ધરાવતા ચૌહાણે તેના મિત્ર અલ્તાફ પઠાણને પોતાની આર્થિક સમસ્યાઓ વિશે જણાવ્યું હતું.

પઠાણે તેને કહ્યું કે તે એક તાંત્રિકને ઓળખે છે જે તેના રુપિયા બમણા કરી શકે છે અને તેને દેવામાંથી મુક્ત કરી શકે છે. પઠાણની વાત પર વિશ્વાસ કરીને ચૌહાણ જુહાપુરામાં થેબાના ઘરે ગયો અને પોતાની સમસ્યાઓ જણાવી હતી. જે બાદ લેભાગુ તાંત્રિક થેબાએ એવી માયાજાળ બિછાવીને કે ચૌહાણ તેમાં ફસાતો ચાલ્યો ગ્યો બીજા ૧૧ લાખ રુપિયા ગુમાવ્યા હતા.

થેબાએ તેને કહ્યું કે તે કોઈપણ કાર્ય કરતા પહેલા ઉપરવાળા સાથે સંપર્ક સાધે છે અને જાે તેને આદેશ મળે તો જ કાર્ય હાથ પર લે છે. આવી મોટી મોટી વાતો કરીને પહેલા તો ચૌહાણને આંજી દીધો હતો. જેના થોડા સમય પછી તેણે ચૌહાણને જણાવ્યું કે ઉપરવાળાનો આદેશ છે તારું કામ મારે કરવું જ પડશે.

આવ હું તને પરચો બતાવું. જે બાદ થેબાએ એક ડોલમાં પાણી રેડ્યું અને તેમાં થોડા કાગળો નાખતા પહેલા શેમ્પૂ, ખાંડ અને મીઠું ઉમેર્યું. ત્યારપછી તેણે ચૌહાણને ડોલમાંથી કાગળો લેવા કહ્યું. ચૌહાણે  જણાવ્યુ હતું કે, જ્યારે તેણે ડોલમાંથી કાગળો લીધા ત્યારે તે ચલણી નોટોમાં ફેરવાઈ ગયા હતા.

આ જાેઈને ચૌહાણને એકદમ વિશ્વાસ બેસી ગયો અને તેણે થેબાને કહ્યું કે તેને ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાની જરૂર છે. શિકાર બરાબર ફસાઈ ગયો છે તેમ લાગતા થેબાએ દાવ ખેલ્યો અને ચૌહાણને કહ્યું કે વિધિ માટે ઓછામાં ઓછા ૧૧ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે.

આ રુપિયા જ બમણા થઈ શકશે. થેબાની વાતોની જાળમાં આવી ગયેલા ચૌહાણ, જેની પાસે રૂ. ૯ લાખ હતા, તેણે પોતાના મિત્ર પઠાણ પાસેથી રૂ. ૨ લાખ ઉછીના લીધા હતા. જે બાદ થેબાએ કોઈ વિધિ કરી અને એક બેગ આપી હતી અને કહ્યું હતું કે તેમાં ૧૧ લાખ રુપિયા છે જે થોડા સમયમાં બમણા થઈ જશે.

જાેકે આ સાથે થેબાએ એવી ચેતવણી પણ આપી હતી કે જ્યાં સુધી તે ન કહે ત્યાં સુધી બેગ ખોલવી નહીં અને સલામત જગ્યાએ મૂકી રાખવી. જે બાદ ચૌહાણે થેબાના ફોન માટે એક મહિના સુધી રાહ જાેઈ પરંતુ કોઈ ફોન ન આવતા તેણે થેબાને ફોન કર્યો હતો. જ્યારે થેબાને કરવામાં આવેલા કોલ્સનો કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યારે તેણે પોતાની જાતે બેગ ખોલી અને અંદર જાેયું તો ફક્ત કાગળો જ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.