Western Times News

Gujarati News

UNના રાજદૂતો અને પ્રતિનિધિઓએ BAPS અક્ષરધામની મુલાકાત લીધી

BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદ્ઘાટન પૂર્વે સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી

ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂત રુચિરા કંબોજે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું

7 ઓક્ટોબર, 2023 ના રોજ સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓ દ્વારા અક્ષરધામની મુલાકાત લેવામાં આવી હતી. તા:8 ઓક્ટોબર, 2023ના રોજ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પૂર્વે કંબોડિયા, એરિટ્રિયા, ગ્રેનાડા, ગુયાના, કઝાકિસ્તાન, લાઇબેરિયા, માલાવી, મોરોક્કો, નેપાળ, શ્રીલંકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, તિમોર લેસ્ટે, મંગોલિયા,

દક્ષિણ આફ્રિકા, માલદીવ્સ, પોલેન્ડ, કોસ્ટા રિકા, બ્રાઝિલ, લેબેનોન, ભૂટાન, અને યુએન ઓફિસ ઓફ કાઉન્ટર ટેરરિઝમના પ્રતિનિધિઓએ અક્ષરધામની મુલાકાત લઈ શાંતિ, એકતા, સંવાદિતા અને સાંસ્કૃતિક મૂલ્યોના જતનની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂત રુચિરા કંબોજે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

8 ઓક્ટોબર, 2023 ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન, હિંદુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને તેની પરંપરાઓના કાયમી પ્રતીક તરીકે આવનારી પેઢીઓ માટે શાંતિ, આશા અને સંવાદિતાના સંદેશાઓ પ્રસારિત કરશે. પોતપોતાના દેશો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોના પ્રતિનિધિઓ તરીકે આ સર્વે પ્રતિનિધિઓએ વૈશ્વિક સહકાર માટે આંતર-સાંસ્કૃતિક આદાનપ્રદાન અને આધ્યાત્મિક સંવાદિતાના મહત્વને આત્મસાત કર્યું હતું.

પ્રતિનિધિમંડળમાં ઉપસ્થિત રાજદૂતો:

કંબોડિયાની શ્રીમતી સોફીઆ ઈટ, એરીટ્રિયાની સુશ્રી સોફિયા ટેસ્ફામરિયમ, ગ્રેનાડાના શ્રી ચે અજામુ ફિલિપ, ગુયાનાના શ્રીમતી કેરોલીન રોડ્રિગ્સ-બિર્કેટ, કઝાકિસ્તાનના શ્રી અકાન રખ્મેતુલિન, લાઇબેરિયાના શ્રીમતી સારાહ સફિનફાઇનાહ, માલાવીની શ્રીમતી એગ્નેસ મેરી ચિમ્બીરી મોલાન્ડે, મોરોક્કોના શ્રી ઓમર હિલાલ, નેપાળના શ્રી લોક બહાદુર થાપા, શ્રીલંકાના શ્રી મોહન પીરીસ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સના શ્રીમતી ઇંગા રોન્ડા રાજા, તિમોર લેસ્ટેના શ્રી કાર્લિટો નુન્સ, મંગોલિયાના શ્રી એન્કબોલ્ડ વોરશિલોવ, દક્ષિણ આફ્રિકાના સુશ્રી માથુ જોયિની, અને માલદીવના રાજદૂત હાલા હમીદ.

જ્યારે શ્રીલંકામાં યુએન એમ્બેસેડર મોહન પીરીસે પૂછ્યું કે ‘ આ પ્રતિનિધિમંડળ અહીંથી અન્ય નેતાઓ માટે શું સંદેશ લઈ જઈ શકે?’ ત્યારે એટલાન્ટાના BAPSના સ્વયંસેવક કુંજ પંડ્યાએ સુંદર પ્રત્યુતર આપતાં કહ્યું, “ આપ સૌ બાહ્ય વિશ્વ શાંતિ માટે પ્રયાસ કરી રહ્યા છો – જે એક મહત્વનો પ્રયાસ છે. પરંતુ આપણે સૌ સમજીએ છીએ કે વિશ્વ શાંતિ પ્રાપ્ત કરવા માટે, આપણે સૌ પ્રથમ આંતરિક શાંતિ મેળવવી જોઈએ. હું સંયુક્ત રાષ્ટ્રના દરેક સભ્યને અહીં અક્ષરધામ ખાતે આંતરિક શાંતિની ખોજ માટે આમંત્રિત કરું છું, જેની સામૂહિક અસરથી વિશ્વશાંતિ શક્ય બની શકશે.”

સંધ્યા કાર્યક્રમમાં હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના અસાધારણ જીવન અને મૂલ્યોને વધાવતા વિશિષ્ટ કાર્યક્રમમાં એકત્રિત થયા હતા. મહંતસ્વામી મહારાજ વિશ્વભરના અસંખ્ય વ્યક્તિઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે. આધ્યાત્મિકતા, પ્રેમ, અને નિઃસ્વાર્થ સેવા દ્વારા તેઓએ અનેક વ્યક્તિઓના જીવન-પરિવર્તન કર્યા છે.

આર્ષ વિદ્યા મંદિરના સ્થાપક આચાર્ય સ્વામી પરમાત્માનંદજીએ સભાને સંબોધતા જણાવ્યું,

Swami Paramatmanandaji, Founder Acharya of Arsha Vidya Mandir addressing the assembly gathered at BAPS Swaminarayan Akshardham in Robbinsville, New Jersey

“લગભગ 48 વર્ષ પહેલાં મને તેઓને [મહંત સ્વામી મહારાજને] મળવાનું સૌભાગ્ય મળ્યું હતું. … હું તેઓની સાથે રહ્યો હતો. આટલા વર્ષોમાં, મેં એક વસ્તુનું અવલોકન કર્યું છે, કે તેઓ  હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ મૂલ્યો અને હિન્દુ ધર્મના જીવંત સ્વરૂપ સમાન છે.”

BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય સમર્પણ સમારોહની પૂર્વસંધ્યાએ, મહંતસ્વામી મહારાજના ભવ્ય જીવનની ઉજવણી દ્વારા કઈ રીતે તેઓના શ્રદ્ધા, એકતા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો અસંખ્ય વ્યક્તિઓને તેમની આધ્યાત્મિક યાત્રા પર પ્રેરણા અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહ્યા છે તેની હ્રદયસ્પર્શી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.