Western Times News

Gujarati News

પાલનપુરમાં જિલ્લાકક્ષાનો ભૂલકાં મેળો યોજાયો

(માહિતી બ્યુરો,પાલનપુર) પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ ‘પા પા પગલી’ અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ અને તેનું આકલન (ડેવલોપમેન્ટ એસેસમેન્ટ) કરી વાલીને તે અંગે જાણકારી આપી બાળ ઉછેરમાં તેમની ભૂમિકા સમજાવવાના હેતુસર બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે જિલ્લાકક્ષાના ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ઉષાબેન વાય.ગજ્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ભૂલકાં મેળામાં ૩ થી ૬ વર્ષના આંગણવાડીના ૧૦૦ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ‘પા પા પગલી’ યોજનાના ડિસ્ટ્રિક્ટ અને બ્લોક પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોના સહયોગથી ૧૭ જેટલી વિવિધ થીમ પ્રમાણે ટીચિંગ લર્નિંગ મટીરીયલ બનાવી બાળકોને રમત-ગમત સાથે સરળતાથી જ્ઞાન આપવાની રચનાત્મક પ્રવૃત્તિઓ કરાઈ હતી.

બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ આંગણવાડીના અભ્યાસક્રમ આધારિત જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવવાના સાધનો તેમજ રમતો દ્વારા પ્રદર્શનરૂપે બાળકોને પર્યાવરણ, વીજળી, પાણી, વૃક્ષારોપણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આમ ભૂલકા મેળો બાળકોને ‘ગમ્મત સાથે જ્ઞાન’નું ઉત્તમ દ્રષ્ટાંત બન્યો હતો. આ પ્રસંગે બાળકો અને પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરોને પ્રોત્સાહન સ્વરૂપે બેગ તેમજ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાળકના સર્વાંગી વિકાસ અને ડેવલોપમેન્ટ એસેસમેન્ટ અંગે વાલીઓ માહિતી મેળવી ઘરમાં તે અંગેનું વાતાવરણ પૂરું પાડે, આંગણવાડી કાર્યકર બહેનો ડેવલોપમેન્ટ એસેસમેન્ટ અને અભ્યાસક્રમ આધારીત શીખવા-શીખવવાની સામગ્રી અંગે માહિતી મેળવે અને તેના યોગ્ય ઉપયોગની સમજણ મેળવે, બાળકોના મુક્ત આનંદ અને સર્વાંગી વિકાસમાં ઉપયોગી વિવિધ પ્રવૃતિઓનો અનુભવ મળે તેમજ બાળકોને આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય તે ઉદેશો સાથે ભૂલકાં મેળા યોજવામાં આવે છે તેમ ડિસ્ટ્રિક્ટ પ્રી-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરશ્રી રોહિતભાઈ સેવકે જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.