Western Times News

Gujarati News

દિયોદર ખાતે જિલ્લાકક્ષાનો પ્રાકૃતિક કૃષિ મેળો સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડુતો, મહિલાઓ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે છેઃ પરબતભાઇ પટેલ

(માહિતી બ્યુરો, પાલનપુર) રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રીસિરિયલ યોજના અને આત્મા યોજના અંતર્ગત દિયોદર ખાતે આવેલ સંત સદારામ બક્ષીપંચ કુમાર છાત્રાલય કેમ્પસમાં લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો હતો. જેમાં સાંસદશ્રીઓના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ મેળવનાર ખેડુતોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતુ. તથા ન્યુટ્રીશન અને વિવિધ ખેત પેદાશોના કૃષિ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, કૃષિ સહિતના ઘણા વિષયોમાં હિન્દુસ્તાને વિશ્વને માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રસ્તાવને દુનિયાના ૭૦ દેશોએ સ્વીકારતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આપણા પરંપરાગત પાકો જેવા કે જુવાર, બાજરી, મગ, મઠ જેવા ધાન્ય પાકોમાં પોષણનો ભરપૂર ભંડાર હોય છે તેને ફરીથી અપનાવવાની જરૂર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડુતો, મહિલાઓ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે છે.

સાંસદશ્રીએ બાળપણના અનુભવોને વાગોળતા જણાવ્યું કે, ભૂતકાળમાં અમે પણ રોજ બાજરીના રોટલા જ ખાતા હતા, ઘેર જ્યારે મહેમાનો આવે ત્યારે મહેમાનો માટે જ ઘઉંની રોટલી બનાવવામાં આવતી હતી. ઉત્તરાયણના દિવસે સાત ધાનનો ખીચડો ખાવાનો રિવાજ હતો. ઉંચા- પહોળા, મજબૂત બાંધો અને સુંદર દેખાવ એ પણ ખોરાક પર જ આધાર રાખે છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડુતોની ચિંતા કરી ખેડુતો માટે કૃષિ મેળાની શરૂઆત કરાવી હતી. બાજરી, જુવાર, મકાઈ, બંટી વગેરે જાડા ધાન્યોને પ્રમોટ કરવા માટે આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પુરતુ પાણી મળે એની ચિંતા આ સરકારે કરી છે. કિસાન સન્માન નિધિ દ્વારા વર્ષમાં ત્રણવાર ખેડુતોના ખાતામાં રૂપિયા બે- બે હજાર તેમના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી તંદુરસ્ત જીવન જીવવા તેમણે અનુરોધ કર્યો હતો.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ફૂડ ટેકનોલોજી વિભાગના ડીનશ્રી ર્ડા. આઇ.એન.પટેલે ખેડુતોને માહિતી આપતા જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આપણો જિલ્લો મોટા ધાન્ય પાક બાજરી, જુવારના વાવેતર અને ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં મોખરે છે ત્યારે તેની ઉત્પાદકતા વધારી બાજરીમાંથી ફક્ત રોટલા, ઢેબરા કે ખીચડી બનાવીએ એટલું પુરતુ નથી તેમાં વેલ્યુ એડિશન કરી શકાય એ માટે બાજરીના ખાખરા, બિસ્કીટ વગેરે બનાવી વધારે આવક મેળવી શકાય એ દિશામાં પ્રયત્નો વધારવાની જરૂર છે.

આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી વનરાજસિંહ વાઘેલા, શ્રી પરાગભાઇ જાેષી, શ્રી જગદીશભાઇ પટેલ, શ્રી લલિતભાઇ ત્રિવેદી, શ્રી અલકાબેન જાેષી, જિલ્લા પંચાયત સભ્યશ્રી હસુભાઇ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટરશ્રી ઇશ્વરભાઇ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેનશ્રી ઇશ્વરભાઇ તરક, સંયુક્ત ખેતી નિયામકશ્રી કે.એસ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ.પ્રજાપતિ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એચ.જે.જિન્દાલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને સારી સંખ્યામાં ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.