ઈપ્કોવાલા હોલ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
નડિયાદ, રાજ્ય સરકાર દ્વારા તા.૧૪,૧૫ ઓક્ટોબર – ૨૦૨૨ ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે કેન્દ્રિય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના અઘ્યક્ષ સ્થાને અને ગુજરાત વિધાસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈની ગરીમામય ઉપસ્થિતીમાં ખેડા જીલ્લામાં તા.૧૪/૧૦/૨૦૨૨ ના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ઈપ્કોવાલા હોલ નડિયાદ ખાતે યોજાયો. જેમાં વિવિધ યોજાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી અને મુખ્યમંત્રીશ્રીના ગોધરા ખાતેના ગરીબ મેળા કાર્યક્રમનું લાઈવ નિદર્શન નિહાળવામાં આવ્યું હતું.
ગરીબ કલ્યાણ મેળો ઓક્ટોબર ૨૦૨૨ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પુરવઠા વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા રોજગાર વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા આઇ.સી. ડી.એસ. વિભાગ, જિલ્લા શ્રમ આયુક્ત વિભાગ, જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગ, જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા પશુપાલન વિભાગના કુલ ૩૧ લાભાર્થીઓને એન.આર.એલ.એમ, દૂધ ઘર બાંધકામ સહાય, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન), પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, દિવ્યાંગ સાધન સહાય, આઈ.ટી.આઈ કોર્ષ અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, મત્સ્યબીજ ઉછેર, આયુષ્યમાન કાર્ડ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, કુવરબાઈનુ મામેરુ, ઈ-શ્રમ કાર્ડ યોજના, શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, પોષણ કીટ વિતરણની યોજનાઓ અંતર્ગત સહાય રકમના ચેક, રાંધણ ગેસ કીટ, રોજગાર એનાયત પત્ર, કાન માટેનું હિયરિંગ એઇડ, વ્હીલ ચેર, મંજૂરી પત્ર, ભલામણ પત્ર, પ્રતિકાત્મક ચાવી, દૂધ દહીં વેપારની કીટ અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું અને અન્ય લાભાર્થીઓને વિવિધ વિભાગોના સ્ટોલ પરથી લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા નાગરિક-કેન્દ્રિત સરકાર ઉભી કરવાનો સાર્થક પ્રયત્ન કરવામા આવ્યો છે. ગરીબ કલ્યાણ મેળાથી વ્યક્તિની જરૂરિયાત અને માંગ મુજબ સહાય આપીને ગરીબમાં ગરીબ વ્યકિતઓને સ્વમાનભેર અને સશકત જીવન જીવવાની તક આપવામાં આવે છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે આજે ગરીબોને આપવામાં આવતી સરકારી સહાય યોજનાઓ સરળ, ઝડપી અને પારદર્શી બની છે.
યોજનાઓના મૂળમાં રહેલી નાગરિક સશક્તિકરણની પરિકલ્પના સાકાર કરવા નાગરિકોએ યોજનાકીય માહિતી વિશે સ્વયં જાગૃત બનવું પડશે એમ કેન્દ્રીય સંચાર મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૨ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, નેશનલ લાઈવલીહુડ મિશન, કુત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીની પ્રોત્સાહન યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, કુંવરબાઈનુ મામેરુ યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને વાજપાઇ બેન્કેબલ યોજના દ્વારા હજારો લાભાર્થીઓને આર્ત્મનિભર બનાવવામાં આવ્યા છે.