Western Times News

Gujarati News

સારા ભવિષ્યની આશા સાથે લીધેલા ડન્કી રૂટએ જર્મનીમાં રેફ્યુજી બનાવ્યો

નવી દિલ્હી, સારા ભવિષ્યની આશા સાથે દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીયો કાયદેસર કે ગેરકાયદેસર વિદેશ જવાનો પ્રયાસ કરતા હોય છે.

ડન્કી રૂટ ખરેખર શું છે?

ડન્કી રૂટ વાસ્તવમાં એક જોખમી ઇમિગ્રેશન માર્ગ છે જે લાખો ભારતીયો યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અથવા યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં પહોંચવાના જોખમો હોવા છતાં અનુસરે છે. “ડંકી” શબ્દ વાસ્તવમાં “ડંકી” નો પ્રાદેશિક ઉચ્ચાર છે. આ શબ્દ પંજાબીમાં એક રૂઢિપ્રયોગ પરથી આવ્યો છે જેનો શાબ્દિક અર્થ થાય છે “એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું.”

યુનાઇટેડ સ્ટેટ્સ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને ડેટા આગળ લાવ્યા છે જે મુજબ, આ સમય દરમિયાન 42,000 થી વધુ ભારતીય સ્થળાંતર ખરેખર ગેરકાયદેસર માર્ગો દ્વારા દક્ષિણ સરહદ પાર કરી ચૂક્યા છે. વધુમાં, નવેમ્બર 2022 થી, 97,000 થી વધુ ભારતીયોએ ડંકી રૂટ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે. જો કે, આ 97,000 ભારતીયો તેમના મિશનમાં સફળ ન થઈ શક્યા અને અમેરિકામાં અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી.

ગેરકાયદેસર વિદેશ જવાનો પ્રયાસ કરનારા લોકો લાખો રૂપિયા તો ખર્ચતા જ હોય છે પરંતુ જીવને પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી. જોકે, ગેરકાયદેસર રીતે જે-તે દેશમાં પ્રવેશીને પણ ઘણા લોકોને ડિપોર્ટ થવાનો વારો આવતો હોય છે. હરવિન્દર સિંહ પણ આવા જ લોકોમાંના એક છે.

હરવિન્દર સિંહ સારા જીવનની આશા સાથે વિદેશ જવા ઈચ્છતા હતા અને તેમણે પશ્ચિમ યુરોપિયન દેશમાં સેટલ કરવા માટે એક એજન્ટને ૧૨ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ એજન્ટનો પ્લાન દેખીતી રીતે જ ફૂલ-પ્રૂફ હતો. જોકે, તેણે હરવિન્દર સિંહને તેના બદલે ડન્કી રૂટ પર મોકલ્યા હતા, જેમાં તેમણે સર્બિયામાં મુશ્કેલ હવામાનની સ્થિતિમાંથી મુસાફરી કરી હતી. ચેકપોસ્ટથી બચવા માટે માઈલો સુધી ચાલ્યા હતા અને અંતે તેઓ જર્મનીમાં શરણાર્થી શિબિર એટલે કે રેફ્યુજી કેમ્પમાં પહોંચ્યા હતા.

એજન્ટોએ તેમને ત્યાં અસાયલમ સુવિધા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ પાંચ મહિનાની અટકાયત પછી હરવિન્દર સિંહને અંતે ૨૦ માર્ચે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. હરવિન્દર સિંહ એશિયાઈ મૂળના એવા સેંકડો પુરુષોમાંના એક હતા જેમને આ ચોક્કસ બાલ્કન માર્ગ પર થઈ મોકલવામાં આવ્યા હતા જેમાં સર્બિયા થઈને યુરોપિયન દેશોમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવવામાં આવે છે. આકસ્મિક રીતે સર્બિયાએ ૧ જાન્યુઆરી ૨૦૨૩થી ભારતીયો માટે વિઝા-ફ્રી ટ્રાવેલ બંધ કરી દીધું હતું.

તેણે તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે સર્બિયા દેશમાં વિઝા-ફ્રી એન્ટ્રીની વર્તમાન વ્યવસ્થા અને ૩૦ દિવસ સુધી સર્બિયામાં રહેવાની વ્યવસ્થા પાછી ખેંચી લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતું ઈયુ વિઝા પોલિસીની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો અને ગેરકાયદેસર માઈગ્રન્ટ્‌સને નિયંત્રિત કરવાનો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, સર્બિયન માર્ગનો ઉપયોગ મુખ્ય રીતે જર્મની, ઈટાલી, સ્વિટ્‌ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા જેવા દેશોમાં ઈમિગ્રન્ટ્‌સ મોકલવા માટે કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે જૂનમાં યુરોપોલે જર્મની, રોમાનિયા અને સર્બિયામાં લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટીઝ સાથે સંકલન કરીને એક સંગઠિત અપરાધ ગ્રુપને તોડી પાડ્યું હતું જેણે સેંકડો માઈગ્રન્ટ્‌સ જર્મનીમાં ગેરકાયદેસર ઘૂસાડ્યા હતા. ૨૦૦ અધિકારીઓ દ્વારા કોઓર્ડિનેટ કરીને પાડવામાં આવેલા દરોડામાં બે શકમંદોને જર્મનીમાં પકડવામાં આવ્યા હતા અને નવને રોમાનિયામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી લક્ઝરી કાર, કેશ અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

આ તપાસ જર્મન ટેરિટરી પર ઘણા માઈગ્રન્ટ્‌સની ધરપકડ દ્વારા કરવામાં આવી હતી, જેમને ટ્રાન્સપોર્ટેશનના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને, કહેવાતા બાલ્કન રૂટ પર સર્બિયા અને રોમાનિયા થઈને જર્મની લાવવામાં આવ્યા હતા.

લગભગ ૪૦૦૦ યુરોના બદલામાં સ્મગલર્સે માઈગ્રન્ટ્‌સને લોરીઓ પર બેસાડી દીધા હતા જ્યાં તેમને અમાનવીય સ્થિતિમાં ઘણા દિવસો સુધી માલ-સામાનની વચ્ચે સંતાઈ જવું પડ્યું હતું. આ માઈગ્રન્ટ્‌સને સત્તાવાર બોર્ડર ચેકપોસ્ટથી બચવા માટે માઈલો સુધી ચાલવું પડ્યું હતું.

દિલ્હી એરપોર્ટ પર મળી આવેલા કેસમાં હરવિન્દર સિંહને પંજાબના સંદીપ કુમાર તરીકે ઓળખાતા એજન્ટ દ્વારા મોકલવામાં આવ્યા હતા. ડીસીપી (એરપોર્ટ) ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે, આરોપી એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. તેણે હરવિન્દર સિંહને જર્મનીમાં ઉતર્યા બાદ તેનો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો નષ્ટ કરવા અને નકલી ઓળખપત્ર આપીને અધિકારીઓ સુધી પહોંચવા કહ્યું હતું.

તેણે દાવો કર્યો હતો કે આનાથી તે શરણાર્થીનો દરજ્જો મેળવી શકશે. હરવિન્દર સિંહ ગયા વર્ષે ૨૮ નવેમ્બરે ટૂરિસ્ટ વિઝા પર દિલ્હીથી નીકળ્યા હતા.

તેમને ઈમરજન્સી સર્ટિફિકેટ પર પાછા મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમાં માતા-પિતાના નામ અને સરનામા જેવી વિગતો અલગ-અલગ મળી આવી હતી. આ એ વાતને સમર્થન આપે છે કે હરવિન્દર સિંહે જર્મન સત્તાવાળાઓને નકલી વિગતો આપી હતી. આ ડોન્કી રૂટ પર બીજા કેટલા લોકોને મોકલવામાં આવ્યા હતા તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.