Western Times News

Gujarati News

નહેરુનગરની હોટલમાં લવ જેહાદ માટે રેડ કરી ને ડ્રગ્સ રેકેટ પકડાયું

પ્રતિકાત્મક

બજરંગ દળ-વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ત્યાં પહોંચ્યા ત્યાં સુધી એક યુવતી હાજર હતી, પરંતુ તે ભાગવામાં સફળ થઈ

અમદાવાદ,  વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજ્યની તમામ હોટલમાં ચેકિંગ કરીને વિધર્મી યુવકોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બુધવારે અમદાવાદના નહેરુનગર નજીક એક હોટેલમાં વિધર્મી યુવક એક યુવતી સાથે આવ્યો હોવાની બાતમી વીએચપીને મળી હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા.ત્યાં એક યુવતી હાજર હતી, પરંતુ તે નજર ચૂકવીને ભાગવામાં સફળ થઈ ગઈ હતી.

દરમિયાન બે બીજા લોકો ત્યાં આવ્યા હતા. વીએચપીને પછી ખબર પડી હતી કે આ લવ જેહાદ નહીં પણ ડ્રગ્સનું રેકેટ હતું. અહીં ડ્રગ્સ લેવા માટે આવેલા બે યુવકોને વીએચપી અને બજરંગ દળે ઝડપી પાડ્યા હતા.

તેમના ફોનના આધારે ટ્રેપ ગોઠવીને પાલડી નજીકથી ડ્રગ્સ આપવા આવનાર એક વ્યક્તિને ઝડપી લીધો હતો. એલિસબ્રિજ પોલીસે આ સંદર્ભે ડ્રગ્સ અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાને બાતમી મળી હતી કે, એક વિધર્મી યુવક યુવતીને લઈને નહેરુનગર પાસેની એક હોટલમાં આવ્યો છે. જેથી વીએચપીના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. વીએચપી અને બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચ્યા ત્યારે હોટેલમાં એક યુવતી અને એક યુવક હતાં.

જેમાં યુવતી ત્યાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરો સાથે દલીલો કરવા લાગી હતી. દરમિયાન એક યુવક ત્યાંથી ભાગી ગયો અને યુવતી પણ ત્યાંથી નીકળી ગઈ હતી. જે યુવક ભાગી ગયો તેનો ફોન બજરંગ દળના કાર્યકરોના હાથમાં આવી ગયો હતો. આ ફોન પર એક ફોન આવ્યો કે, અમે માલ લેવા આવ્યા છીએ. વીએચપીના કાર્યકરે બે યુવકોને પકડી લીધા હતા અને પૂછપરછ કરી હતી.

યુવકના ફોનથી ડ્રગ સપ્લાયરને વીએચપીના કાર્યકરોએ ફોન કરાવ્યો હતો. જેના આધારે ડ્રગ્સ સપ્લાયર પાલડી પાસે ડ્રગ્સ આપવામાં આવશે તેવું નક્કી થયું હતું. થોડીવાર બાદ બંને યુવકોને લઈને વીએચપી અને બજરંગ દળના કાર્યકરો પાલડી પાસે પહોંચ્યા હતા અને ડ્રગ સપ્લાયરને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવી હતી.

રિક્ષામાં ડ્રગ સપ્લાયર આવ્યો અને જે વ્યક્તિએ ફોન કર્યો હતો, તેની સાથે વાત કરતા બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ તેને પકડતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બનાવની જાણ થતા એલિસબ્રિજ પોલીસ અને અન્ય એજન્સીના અધિકારીઓ પાલડી પાસે પહોંચી ગયા હતા.

આ સંદર્ભે તપાસ કરતા પંચોને સાક્ષીની હાજરીમાં ચાર ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બનાવમાં એક વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે આ કેસમાં એક વ્યક્તિ વોન્ટેડ હોવાનું પણ સામે આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.