નશામાં ધૂત કાર ચાલકે 4 થી વધુ વાહનોને અડફેટે લીધા
મેમનગરના સામ્રાજ્ય ટાવર પાસે એક કારને અડફેટે લીધા બાદ ભાગવા જતા સુખી પુરા ગામમાં ત્રણથી વધુ મોપેડને અડફેટે લીધા હતા.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રસ્તાઓ હવે સલામત રહ્યા નથી. અમદાવાદના રસ્તાઓ હવે રેસિંગ ટ્રેક જેવા બની ગયા છે. જ્યાં માલેતુજારોના સંતાનો રમરમાટ પોતાની ગાડીઓને હાંકે છે. ત્યારે અમદાવાદમાં રફ્તાર બાજોનો કહેર ચાલુ છે. મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખી પુરા ગામ સુધી કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. એક કારચાલકે સ્પીડમાં ગાડી ચલાવીને લોકોને તથ્યકાંડની યાદ અપાવી હતી.
નશાની હાલતમાં એક કાર ચાલકે મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખીપુરા ગામ સુધી અનેક વાહનોને અડફેટે લીધા હતા. સામ્રાજ્ય ટાવર પાસે એક કારને અડફેટે લીધા બાદ ભાગવા જતા સુખી પુરા ગામમાં ત્રણથી વધુ મોપેડને અડફેટે લીધા હતા. કાર ચાલકે રસ્તામાં પાર્ક કરેલા બાઇક મોપેડ અડફેટે લીધા બાદ વીજ કંપનીના ડીબી સાથે કાર ઠોકી હતી.
કાર ચાલકે ૪ થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. કાર ચાલકે એક બાઇક ચાલકને ઇજા પહોંચાડી હતી. જોકે, સુખીપુરા ગામમાં લોકોએ કાર ચાલકને ઝડપી મેથીપાક ચખાડતા તે કાર મૂકીને ભાગ્યો હતો. આમ, આ બાદ ડિવિઝન પોલીસે અકસ્માતની હારમાળા સર્જનાર કારને કબ્જે લીધી હતી. મેમનગરમાં અકસ્માતની હારમાળા સર્જનાર કાર ચાલકની રફ્તાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
સામ્રાજ્ય ટાવરના ગેટ આગળ કાર ચાલકે સર્જેલ પ્રથમ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. સ્થાનિક લોકોએ કાર ચાલકને રોકી પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું કાર ચાલકે ગાડી રોકાવ્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી.