નશામાં ધૂત કાર ચાલકે બે વાહનને અડફેટે લીધા બાદ કાર ડીવાઈડર સાથે અથડાવી

કાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં ડ્રિક એન્ડ ડ્રાઈવના કેસો વધી રહ્યા છે. ત્યારે નડિયાદમાં નશામાં ચકચૂર એક કાર ચાલકે રોડ પરથી પસાર થતી એક કાર અને એક પેડલ સાયકલને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો છે.
બાદમાં કારને ડિવાઈડર સાથે અથડાવી હતી. આ બનાવમાં પોલીસે કાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં મંગળવારની મોડી રાત્રે કોલેજ રોડ પરના આર્યુવેદ હોસ્પિટલ પાસેથી પસાર થતી કાર ના ચાલકે એકાએક રસ્તા પરથી પસાર થતી એક કાર અને આગળ જતી પેડલ સાયકલને અડફેટે લીધી હતી. આ બાદ આ કારના ચાલકે એકાએક સ્ટેયરીગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી રોડના ડીવાઈડર સાથે અથડાવી હતી. આ અકસ્માતમાં માત્ર ત્રણ પૈડાવાળી સાયકલના ચાલકને ઇજાઓ પહોંચી હતી.
તો બીજી તરફ અકસ્માત બાદ આસપાસ લોકો એકઠા થઇ જતાં કાર ચાલક નશામાં હોવાનું બહાર આવ્યું હતું. આથી ટાઉન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી કાર ચાલકનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ તોતડાતી ઝીભે રવિસિહ શ્રીરંગબહાદુરસિગ બ્રાહ્મણ (મુળ રહે. ઉત્તરપ્રદેશ, હાલ રહે.વાણીયાવાડ, જશોદા એપાર્ટમેન્ટ) હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ટેસ્ટ કરાવતાં આ વ્યક્તિ પોતે દારૂના નશામાં હોવાનું ખુલ્યું હતું.
આ ઉપરાંત આ દારૂડીયાના કારમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી. આથી પોલીસે કાર ચાલક રવિસિહ શ્રીરંગબહાદુરસિગ બ્રાહ્મણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસસુત્રોના જણાવ્યા મુજબ આ દારૂડીયો કાર ચાલક રવિસિહ શ્રીરંગબહાદુરસિગ બ્રાહ્મણ પોતે કોલગેટ કંપનીમાં માર્કેટી મેનેજર તરીકે ફરજ બજાવે છે
અને ઓવર સ્પીડમા કાર ચલાવતા અકસ્માત સર્જ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર ભારે ચહલપાલ વાળો વિસ્તાર છે અને મોડી રાત્રે પણ લોકો અહીંયા આવાનજાવન કરે છે અહીંયા સ્કૂલ, કોલેજાે આવેલી હોવાથી દિવસે પણ આ વિસ્તાર સતત ધમધમતો રહે છે. ત્યારે આ અકસ્માત જાે દિવસે? અથવા તો સંધ્યા કાળે સર્જાયો હોત તો મોટી જાનહાનિ સર્જાત.