દારૂના નશામાં છાકટા બનેલા એસ્ટેટ બ્રોકરે હવામાં ફાયરિંગ કર્યું
(એજન્સી) અમદાવાદ, ન્યૂયરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં ઠેર ઠેર દારૂ પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે. જેને રોકવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. દારૂ પાર્ટી સાથે બબાલ, હુમલો તેમજ સ્ટંટ કરવાના પણ નાના મોટા બનાવ બનતા હોય છે તે એક ગંભીર બાબત છે. શહેરના સાઉથ બોપલમાં ગત મોડી રાતે દારૂ પાર્ટીની સાથે ચાર રાઉન્ડ ફાયરિંગ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતાં પોલીસ દોડતી થઈ છે.
ન્યૂ યરને સેલિબ્રેટ કરવાના ઈરાદા સાથે કેટલાક નબીરા મોડી રાતે દારૂ પાર્ટી કરતા હતા ત્યારે કચ્છના એક નબીરાએ પોતાની ધાક જમાવવા માટે સ્ટાર્ટર ગન કાઢી હતી અને ચાર રાઉન્ડ ફાયરિંગ હવામાં કરી દીધા હતા. ફાયરિંગનો અવાજ સાંભળતાની સાથે જ પોલીસ દોડી આવી હતી અને ચિક્કાર દારૂ ઢીંચેલા નબીરાને ઝડપી પાડ્યા હતા. બોપલમાં ફાયરિંગ થયા હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બોપલ પોલીસે એક સ્ટાર્ટર ગન અને પિસ્તોલ સહિત બે જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.
શહેરના બોપલ વિસ્તારમાં દારૂની મહેફિલમાં ફાયરિંગ થયું હોવાની વિગતો સામે આવતા પોલીસ એકશન મોડ પર આવી ગઈ છે. દારૂની મહેફિલમાં નબીરાએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બોપલ પોલીસે આ મામલે છ લોકોની ધરપકડ કરી છે અને ફાયરિંગ કરેલું હથિયાર લાઈસન્સવાળું છે કે નહીં તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોડી રાતે બનેલી ઘટનાની જાણ થતાં અમદાવાદ જિલ્લાના ઈન્ચાર્જ એસપી, બોપલ પોલીસ તેમજ લોકલ ક્રાઈમબ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મોડી રાત્રે લગભગ એક વાગ્યાના અરસામાં ફાયરિંગની આ ઘટના બની હતી. સાઉથ બોપલમાં આવેલા સેલિબ્રેશન સેન્ટર પાસે કવિશા સિટી સેન્ટર પાસે ફાયરિંગની આ ઘટના બની હતી.
અમદાવાદ જિલ્લાના ઈન્ચાર્જ એસપી એમ.આર. તેવારે જણાવ્યું છે કે કવિશા સિટી સેન્ટરમાં સ્ટાર્ટર ગનથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોચીને કચ્છના ભચાઉ ખાતે રહેતા મહાવીરસિંહ ભાવસિંહ જાડેજાની ધરપકડ કરીને તેની પાસેથી એક સ્ટાર્ટર ગન અને મેડ ઈન યુએસએની પિસ્તોલ જપ્ત કરી છે.