નશાની લતે ચઢેલા મિત્રએ જ મિત્રનું ગળું કાપીને હત્યા કરી
(એજન્સી) અમદાવાદ, શહેરના દાણીલીમડા વિસ્તારમાં નશાના કારણે યુવકે મિત્રના ગળા પર છરીના ઘા ઝીંકીને હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. હત્યા કર્યા બાદ યુવકે મિત્રના ભાઈને ફોન પર કહ્યું હતું કે મેં નશામાં મર્ડર કર્યું એટલે તું પણ મારું મર્ડર કરી નાખ. હત્યા કર્યા બાદ યુવક સીધો એસઓજીમાં હાજર થયો છે, જેથી પોલીસે તેની ધરપકડ કરી છે.
દાણીલીમડા વિસ્તારમાં આવેલી બોમ્બે હોટલ પાસેના ન્યૂ ફૈસલનગરમાં રહેતી રિહાનાબાનુ કુરેશીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં યુસુફઅલી ઉર્ફે લલ્લા સૈયદ (રહે. અલ હબીબ, એસ્ટેટ, દાણીલીમડા) વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. રિહાનાબાનુ પતિ અને બાળકો સાથે અલગ રહે છે અને ગઈકાલે તેમના દિયર ઝુબેર કુરેશીની હત્યા કરી દેવામાં આવી છે. રિહાનાબાનુના પતિ અકરમ રિક્ષા ડ્રાઈવિંગ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે, જયારે ઝુબેર પણ ચાની કીટલી ધરાવે છે. ઝુબેર તેના માતા-પિતા અને પત્ની ફિરદોસબાનુ સાથે રહે છે.
ગઈકાલે રિહાનાબાનુ તેની સાસુને મળવા માટે આવી હતી ત્યારે તેનો દિયર ઝુબેર કુરેશી ઘર બહાર તેના મિત્ર યુસુફઅલી સૈયદ સાથે બેઠો હતો અને જોતજોતામાં બૂમાબૂમનો અવાજ આવતા રિહાનાબાનુ તેમજ તેના સાસુ-સસરા અને ફિરદોસબાનુ ઘર બહાર દોડી આવ્યા હતા. તેમણે બહાર આવીને જોયું તો યુસુફઅલીએ ઝુબેર કુરેશીના ગળા તેમજ પેટના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા ત્યાર બાદ યુસુફઅલી નાસી ગયો હતો,
જયારે ઈજાગ્રસ્ત ઝુબેરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ઝુબેરને હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ દાણીલીમડા પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુસુફઅલી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઝુબેરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નશાના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ યુસુફઅલી સીધો કોઈની કારમાં બેસીને જતો રહ્યો હતો અને જુહાપુરા ખાતે આવેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી ખાતે હાજર થઈ ગયો હતો.
ઝુબેરના ભાઈએ યુસુફઅલીને ફોન કર્યો હતો જયાં તેણે જણાવ્યું હતું કે મેં તારા ભાઈની હત્યા કરી નાખી છે, તું પણ મારી હત્યા કરી નાખ. હું નશામાં હતો એટલે મેં તારા ભાઈની હત્યા કરી નાખી છે. નશો કરવા બાબતે ઝુબેરની હત્યા થઈ હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે.
યુસુફઅલી હત્યા કર્યા બાદ એસઓજીમાં હાજર થયો તેની પાછળ કોઈ પોલીસ કર્મચારીનું ભેજું હોય તેવી શક્યતા છે. યુસુફઅલી ક્રાઈમબ્રાંચ કે પછી નજીકના પોલીસ સ્ટેશનમાં પણ હાજર થઈ શકતો હતો, પરંતુ તે સીધો જુહાપુરા ખાતે આવેલી એસઓજીની કચેરીમાં જઈને હાજર થયો છે.
યુસુફઅલી પહેલાં ઝુબેરની બાજુમાં રહેતો હતો જેથી તેઓ સારા દોસ્ત હતા. યુસુફઅલી, ઝુબેર સાથે અન્ય એક યુવક પણ હતો, જેના પર હુમલો કરવામાં આવ્યો નથી. યુસુફઅલી ગુનાઈત પ્રવૃતિઓ સાથે પણ જોડાયો હોય તેવી શક્યતા છે, જયારે તે પોલીસનો બાતમીદાર પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક બાજુ ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે
ત્યારે હત્યા, ફાયરિંગ તેમજ હુમલા જેવા બનાવો બનતાં પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. યુસુફઅલીએ હત્યા કર્યા બાદ તેનો શર્ટ કાઢી નાખ્યો હતો અને તે બીજો શર્ટ પહેરીને જતો રહ્યો હતો.