નશામાં ધૂત યુવકે ફ્લાઈટમાં ઈમર્જન્સી ડોરનો ફ્લેપ ખોલવાનો કર્યો પ્રયાસ
નવી દિલ્હી, વિમાનમાં પેસેન્જરો દ્વારા ગેરવર્તણૂક થતી હોવાના કિસ્સા વધી રહ્યા છે. હાલમાં જ ઈન્ડિગોની ફ્લાઈટમાં નશામાં ધૂત યાત્રીએ ઈમર્જન્સી ડોરનું ફ્લેપ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીથી બેંગાલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં નશામાં ધૂત યાત્રીની આ હરકતના કારણે અન્ય મુસાફરોનો જીવ જાેખમમાં મૂકાયો હોત.
જાે તેણે ઈમર્જન્સી ડોરનો ફ્લેપ ખોલી નાખ્યો હોત તો પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાની આશંકા હતી. પ્લેનમાં નશામાં ધૂત આ મુસાફરની ઓળખ આર. પ્રતીક તરીકે થઈ છે અને તેની ઉંમર ૩૦ વર્ષ છે. એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું કે, દિલ્હીથી બેંગાલુરુ જઈ રહેલી ફ્લાઈટ ૬ઈ ૩૦૮માં બેઠેલા એક મુસાફરે નશાની હાલતમાં ઈમર્જન્સી ડોરનો ફ્લેપ ખોલવાની કોશિશ કરી હતી.
તેને આમ કરતો જાેઈને ફ્લાઈટ ક્રૂએ કેપ્ટનને સતર્ક કર્યા હતા અને તે મુસાફરને ચેતવણી આપવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યું કે, ફ્લાઈટમાં બેઠેલા યાત્રીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન નથી કર્યું અને આ હરકત કરનારા આર. પ્રતીકને બેંગાલુરુ પહોંચતા જ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સને સોંપી દેવામાં આવ્યો હતો.
બાદમાં બેંગાલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ તેને પૂછપરછ માટે લઈ ગઈ હતી. વાત કરતાં પોલીસે જણાવ્યું કે, નશાની હાલતમાં પ્રતીક પ્લેનમાં બેઠો હતો અને તેણે દરવાજાનો ફ્લેપ ખોલવાની કોશિશ કરી હતી.
અમે આઈપીસીની કલમો ૨૯૦ અને ૩૩૬ તેમજ એરક્રાફ્ટ એક્ટની સેક્શન ૧૧છ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે, સાથી મુસાફર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ તો પોલીસે તેને નોટિસ આપીને છોડી મૂક્યો છે.
પરંતુ પોલીસનું કહેવું છે કે, તપાસ ચાલી રહી છે અને તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. ફ્લાઈટમાં પેસેન્જરોના બેકાબૂ થવાના કિસ્સા વધી રહ્યા છે. આ પહેલા ગત માર્ચના અંતમાં દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બે મુસાફરોએ ફ્લાઈટ ક્રૂની ચેતવણીઓ છતાં પણ દારુ પીવાનું ચાલુ રાખ્યું હતું. જે બાદ ફ્લાઈટ ક્રૂ અને સાથી મુસાફરો સાથે બોલાચાલી કરી હતી.
મુસાફરોના દુર્વ્યવહારની આવી કેટલીય ઘટનાઓ છેલ્લા થોડા મહિનામાં જાેવા મળી છે. ઓન-બોર્ડ મુસાફરોના ખરાબ વર્તન સામે ડીજીસીએએ કેટલાક નિર્દેશો જાહેર કર્યા છે.SS1MS