Western Times News

Gujarati News

સુરતના પલસાણા તાલુકાના આ ગામમાંથી ઝડપાઈ MD ડ્રગ્સની ફેકટરી

પ્રતિકાત્મક

એટીએસએ ર૦ કરોડથી વધુનું ડ્રગ્સ અને રો મટિરિયલ જપ્ત કર્યું

(એજન્સી)અમદાવાદ, ડ્રગ્સના મામલે ગુજરાત હવે પંજાબથી પણ આગળ નીકળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ડ્રગ્સના દૂષણે ગુજરાતમાં એટલી રફતાર પકડી છે કે નવયુવાનો નશાની કિક માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ગુજરાના દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે ત્યારે હવે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પણ ડ્રગ્સનું પ્રોડકશન શરૂ થઈ જવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે.

ડ્રગ્સ મુક્ત ગુજરાત કરવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ મહેનત કરી રહી છે જેમાં તેમને કયાંકને કયાંક સફળતા પણ મળી રહી છે. ગુજરાત એટીએસીની ટીમે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એમડી ડ્રગ્સની ફેકટરી ઝડપી લેતાં ચકચાર મચી ગઈ છે. એટીએસની ટીમે વીસ કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે જ્યારે ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલ પણ જપ્ત કર્યું છે.

એટીએસની ટીમને બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલી સીમમાં કેટલાક તત્ત્વોએ ડ્રગ્સ બનાવવાની ફેકટરી શરૂ કરી છે. બાતમીના આધારે એટીએસની ટીમે ગુપ્ત રાહે તપાસ કરી હતી.

જેમાં કેમિકલની ફેકટરીની આડમાં એમડી ડ્રગ્સ બનતું હતું. એટીએસની ટીમે તાત્કાલિક રેડ કરીને ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપી પાડી છે. એટીએસની ટીમે મોડી રાત્રે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડો પાડયો હતો જ્યાં એમડી ડ્રગ્સ અને રો મટિરિયલ મળી આવ્યું હતું. દરોડા દરમિયાન ટીમને મોટી માત્રામાં ડ્રગ્સ જેવો કેફી પદાર્થ બનાવવાનું રો મટિરિયલ મળી આવ્યું હતું.

મોટા પ્રમાણમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું માલૂમ પડતાં એટીએસની ટીમે એફએસએલની ટીમને ફેકટરી ખાતે બોલાવી લીધી હતી. એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મળી આવેલા જથ્થાનું પરીક્ષણ કરીને તે અમેડી ડ્રગ્સ હોવાનો પર્દાફાશ કર્યો હતો. એફએસએલની ટીમના રિપોર્ટ બાદ એટીએસની ટીમે બન્ને શખ્સની ધરપકડ કરી હતી.

એટીએસની ટીમે ફેકટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાના રો મટિરિયલનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે એટીએસની ટીમે પ૦ કિલો એમડી ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે. જેની કિંમત વીસ કરોડથી વધુ થાય છે.

એટીએસએ બે શખ્સની ધરપકડ કરીને આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી. જેમાં તેમણે કબૂલાત કરી હતી કે ડ્રગ્સ બનાવીને તે મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓને વેચતા હતા. ડ્રગ્સ બનાવવાના ફેકટરીકાંડમાં બીજાક કેટલાક શખ્સ સંડોવાયેલા છે તે અંગે પણ પૂછપરછ શરૂ કરી છે ત્યારે રો મટિરિયલ કયાંથી લાવ્યા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

મુંબઈમાં ડ્રગ્સ કોને આપતા હતા તેમના ગ્રુપમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે તમામ વિગતો તબક્કાવાર પૂછવામાં આવી છે. ફકેટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટીરિયલ એટીએસ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે અને પતરાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે ત્યારે હાલ એટીએસની ટીમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.