IPS અધિકારી હોવાની પણ ઓળખ આપતો નકલી ક્રિકેટર ઝડપાયો
નવી દિલ્હી : નવી દિલ્હીના ચાણક્યપુરી પોલીસ સ્ટેશનની પોલીસે હરિયાણાના એક ઠગની ધરપકડ કરી છે. તે હરિયાણા માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે. આરોપીની ઓળખ મૃણાક સિંહ તરીકેનવી દિલ્હીના ચાણક્યપુરી પોલીસ સ્ટેશનની પોલીસે હરિયાણાના એક ઠગની ધરપકડ કરી છે. તે હરિયાણા માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે. આરોપીની ઓળખ મૃણાક સિંહ તરીકે થઈ છે. તેણે જુલાઈ 2022માં તાજ પેલેસ હોટલ સાથે 5,53,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે તે IPL ની મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે આરોપી મૃણાંક સિંહે કર્ણાટકના IPS ઓફિસર હોવાની ઓળખ આપીને ભારતભરની ઘણી લક્ઝરી હોટલોના માલિકો અને સંચાલકો સાથે છેતરપિંડી કરી છે. અત્યાર સુધીમાં તે અનેક લોકોને બાટલીમાં ઉતારી ચૂક્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઈન્ટરનેશનલ ક્રિકેટર ઋષભ પંત પણ સામેલ છે, ઋષભ પંતની સાથે 2020-2021માં 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસની કસ્ટડી લીધી છે. આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તેના મોબાઈલ ફોનનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં હજુ પણ ઘણા પીડિતો સામે આવે તેવી શક્યતા છે.
22 ઓગસ્ટ 2022ના રોજ તાજ પેલેસ હોટલ નવી દિલ્હીના સિક્યોરિટી ડિરેક્ટરે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખુદને ક્રિકેટર ગણાવીને મૃણાંક સિંહ 22 જુલાઈથી 29 જુલાઈ 2022 સુધી હોટેલ તાજ પેલેસમાં રોકાયો હતો. તે હોટલનું 5,53,362 રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના જ હોટલમાંથી નીકળી ગયો હતો. જ્યારે તેને પેમેન્ટ માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેની કંપની એડિડાસ પેમેન્ટ કરશે.
આ પછી હોટેલ બેંકની વિગતો તેની સાથે શેર કરવામાં આવી હતી. તેણે 2 લાખ રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો નંબર શેર કર્યો. તરત જ હોટેલ સિસ્ટમમાં તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે આરોપીએ કોઈ ચૂકવણી કરી નથી.
આ પછી હોટેલ તાજ તરફથી બિલ ચૂકવવા માટે મૃણાક સિંહ અને તેના મેનેજર ગગન સિંહનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે તે તેના ડ્રાઈવરને રોકડા પૈસા લઈને હોટલમાં મોકલી રહ્યો છે. પરંતુ, હોટલ સુધી કોઈ પહોંચ્યું ન હતું. બાકી રકમની ચુકવણી માટે આરોપીનો અનેકવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, દરેક વખતે તે ખોટા નિવેદનો અને વચનો આપીને ખોટી માહિતી આપતો રહ્યો. તપાસ દરમિયાન આરોપી મૃણાંક સિંહના સરનામે CrPCની કલમ 41અ હેઠળ નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ, તે ત્યાં હાજર મળી આવ્યો ન હતો. તેના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેમણે મૃણાકને તેમની મિલકતમાંથી બેદખલ કરી દીધો છે.
ચાણક્યપુરી પોલીસ સ્ટેશને આરોપી મૃણાંક સિંહને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તે વારંવાર તેનું લોકેશન બદલી રહ્યો હતો અને પોલીસ તપાસથી બચવા માટેના પ્રયાસો કરી રહ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, આરોપીનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ રહેતો હતો. 25 ડિસેમ્બર, 2023ના રોજ આરોપીને દિલ્હીના IGI એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તે હોંગકોંગ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ પછી તેને ચાણક્યપુરી પોલીસને સોંપવામાં આવ્યો હતો.